દારૂના શોખીનો માટે ન્યૂ યરની ઉજવણી મોંઘીદાટ, ભાવમાં ૨૦થી ૪૦ ટકાનો વધારો

  • ૩૧મી ડિસેમ્બરે વધુ ભાવ મેળવવા બૂટલેગરોએ કૃત્રિમ તંગી ઊભી કરી દીધી

અમદાવાદ, ૩૧ ડિસેમ્બરને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે દારૂના ભાવમાં ઊછાળો જોવા મળી રહ્યો છે. પોલીસની બૂટલેગરો પર ધોંસ વધતા દારૂમાં કેમિકલ મિશ્રણ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ શહેરના કેટલાક બૂટલેગરો દારૂમાં પાણી સાથે સ્પિરીટ સહિતના કેમિકલનું મિશ્રણ કરીને તેને બ્રાન્ડેડ દારૂના નામે ઊંચા ભાવે વેચતા હોવાથી ફરી લઠ્ઠાકાંડ સર્જાય તેવી દહેશત ઊભી થઇ રહી છે.

જો કે, પાડોશી રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાં તે દરમિયાન બનાવાયેલી ચેકપોસ્ટ ઊઠાવી લેવાતા બૂટલેગરોને બખ્ખા પડી ગયા છે. હવે બૂટલેગરો જુદી જદી જગ્યાએથી પોતાનો માલ સરળતાપૂર્વક ગુજરાતમાં ઘૂસાડી રહ્યાં છે. ૩૧ ડિસેમ્બરે દારૂના શોખીનો ગમે તે ભાવે પાર્ટી માટે દારૂ મેળવતા હોવાથી બૂટલેગરો દારૂની કૃત્રિમ અછત ઊભી કરી રહ્યાં છે કે જેના કારણે ૩૧ ડિસેમ્બર દરમિયાન દારૂના વધુ ભાવ મેળવી શકાય.

ગુજરાત રાજ્ય પોલીસે બૂટલેગર અને દારૂની હેરફેર કરનાર લોકો પર ધોંસ વધારી છે. પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપાયેલા લોકોને પાસા કરી મહિનાઓ માટે જેલમાં ધકેલી દીધા છે અને દારૂની મોટા ભાગની લાઇનો ખોરવી નાખી હતી. જેના કારણે બૂટલેગરોએ દારૂ-બિયરના ભાવમાં ૨૦થી લઇ ૪૦ ટકાનો વધારો કરી દીધો છે. આ ઉપરાંત વધુ પ્રમાણમાં નફો લૂંટી લેવા કેટલાક બૂટલેગરો દારૂની બોટલના બૂચ ખોલી તેમાં ઊંઘની ગોળી, પાણી, સ્પિરીટ સહિતના કેમિકલો ઉમેરી રહ્યાં છે. આ અંગે બૂટલેગરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલ દારૂ ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે. પરંતુ પીવાવાળા તો દરરોજ દારૂ લેવા આવે છે. જેથી ભાવમાં મોટો ઉછાળો થયો છે. જેનો લાભ લેવા કેટલાક લોકો દારૂની બોટલનું બૂચ ટેકનિકથી ખોલી તેમાંથી સારો દારૂ કાઢી અમૂક ટકા પાણી ઉમેરી દે છે. જ્યારે દારૂની કિક (નશો) જલદી ચઢે તે માટે તેમાં સ્પિરીટ, દેશી દારૂ સહિતનું કેમિકલ ઉમેરી રહ્યાં છે. જેથી દારૂની સાઇડ ઇફેક્ટ થવાની શક્યતાઓ રહેલી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાડોશી રાજ્યોની ચૂંટણી પૂર્ણ થતાં તે સમયે બનાવેલી ખાસ ચેકપોસ્ટ ઊઠાવી લેવાતા માલ સરળતાથી આવી શકે છે. જો કે, બૂટલેગરોએ ૩૧ ડિસેમ્બરને લઇ વિવિધ જગ્યાએ દારૂનો મોટો જથ્થો જુદી જુદી જગ્યાએ મૂકી રાખ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોથી દારૂની કૃત્રિમ તંગી ઊભી કરી ભાવ વધારો કરી દેવાયો છે. પોલીસ પણ હાલ દારૂના સ્ટેન્ડની પરવાનગી માટે વધુ હપ્તા માંગી રહી છે. જેના કારણે ભાવ વધારવામાં આવ્યો છે અને જેનો બોજો ગ્રાહક પર જ પડે છે.

નવા વર્ષને યાદગાર બનાવવા કેટલાક નબીરાઓએ શરાબ અને શબાબનું મેનેજમેન્ટ પહેલાંથી જ ગોઠવી દીધુ છે. આ વખતે અમદાવાદથી દૂર ફાર્મોમાં ખાનગી પાર્ટીઓનું આયોજન ગોઠવાઇ ગયું છે. ઉપરાંત અમદાવાદના હાઇપ્રોફાઇલ દલાલોએ મુંબઇ, દિલ્હી, નોર્થ ઇસ્ટ, થાઇથી લઇ રશિયન સુધીની લલનાઓ અમદાવાદમાં કારોબાર માટે બોલાવી લીધી છે. મુંબઇ દિલ્હીની બાર ડાન્સરોનો પાર્ટી માટે અમદાવાદમાં જમાવડો થઇ ગયો છે. આ વખતે ગુજરાત બોર્ડર નજીકના રાજસ્થાનના ફાર્મહાઉસ સૌથી વધુ પાર્ટીઓ માટે ગોઠવાયા હોવાનું જાણવા મળ્યું છે. એક દલાલે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, આ વખતે સિટીમાં જુદી જુદી જગ્યાએ મહેફિલ પર પોલીસે ધોંસ બોલાવતા દૂર અંતરિયાળ વિસ્તારમાં બની રહેલી નવી સ્કીમમાં મકાનો ભાડે રાખીને ઓછા લોકો ભેગા થાય એવી પાર્ટીઓનું આયોજન થઇ ચુક્યું છે. ૩૧ ડિસેમ્બર બપોર સુધી જ લલના, દારૂ સહિતનો સામાન નિયત જગ્યાએ પહોંચાડી દેવામાં આવશે અને ત્યારબાદ નવા વર્ષના વધામણાની પાર્ટી કરવામાં આવશે. પાર્ટી માટે શહેરમાં દિલ્હી, મુંબઇ, રશિયા, કોલકાતા સહિતના શહેરોમાંથી રૂપલલનાઓ અમદાવાદ આવી પહોંચી છે. લલનાઓનો પ્રોગ્રામ દલાલોએ પહેલાંથી જ ફિક્સ કરી દીધો છે અને તેઓ ૩૧ ડિસેમ્બરના રોજ સવારથી જ જે તે જગ્યાએ પહોંચાડી દેવામાં આવશે. આ માટે દલાલો એક દિવસના ૨૫થી લઇ ૪૦ હજાર સુધી ગ્રાહકો પાસે વસૂલી રહ્યાં છે. દલાલોએ વોટ્સ એપ પર ફોટો ગ્રાહકોને મોકલી લલનાઓ નક્કી કરી લીધી છે.૩૧મી ડિસેમ્બરનું વિદેશમાં ભારે ચલણ હોય છે. ત્યાં ક્રિસમસ વેકેશન હોવાથી વિદેશમાં વસેલા ભારતીયો પોતાના વતનમાં આવતા હોય છે. આવા ભારતીયોએ પોતાના સ્વજનની સાથે મિત્રોને પણ આવવાના હોવાની જાણ કરતા ૩૧મીની પાર્ટીનું પ્લાનિંગ કરનારા કેટલાય લોકોએ વિદેશથી આવતા મિત્રો પાસે જ વિદેશી દારૂની બોટલો મંગાવી સ્ટોક કરી લીધો છે. અમદાવાદથી ઉત્તર ગુજરાતમાં મોટા ભાગે રાજસ્થાન બોર્ડર નજીક હોવાથી ત્યાંનો દારૂ કટિંગ કરીને લાવવામાં આવે છે. જો કે, ગત વર્ષે જ રાજસ્થાન સરકારે દારૂના ભાવમાં ૧૫થી ૨૫ ટકા જેટલો વધારો કર્યો હતો. જેથી રાજસ્થાન ઠેકા પર પણ ભાવ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જેથી ગુજરાતમાં આવતો દારૂ પણ ૨૦થી ૩૦ ટકા જેટલો મોંઘો થઇ ગયો છે.