ગુજરાતની વૈશ્વિક ઓળખ બની રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમીટનું આગામી દિવસોમાં આયોજન થઈ રહ્યું છે. ગાંધીનગરમાં યોજાનારી આ સમીટમાં ભાગ લેવા જુદા જુદા દેશોના ઉદ્યોગપતિઓ, રોકાણકારો, ડેલિગેશન અમદાવાદ આવી પહોંચશે. ભારતના મોટા ઉદ્યોગપતિઓ બિઝનેસ સમીટમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી પહોંચશે.
અનેક મહાનુભાવો પોતાના ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. વિદેશી મહેમાનોને એરપોર્ટ પર કોઈ અસુવિધા થાય નહીં તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
એરપોર્ટ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ વિદેશી મહેમાનોનું એરપોર્ટ પર આગમન થતાની સાથે જ તેમનું ઈમીગ્રેશન અને કસ્ટમ કિલયરન્સ પ્રાયોરીટીના ધોરણે થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદેશી મહેમાનો ટર્મિનલ બિલ્ડીંગમાં આરામથી બેસી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે.
વીવીઆઈપી મહેમાનના પ્લેન ગુજસેલના હેંગરમાં પાર્ક કરવામાં આવશે અને તેમને પાયલોટીંગ સાથે સીધા ગાંધીનગર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. સમીટના અઠવાડિયા અગાઉથી એરપોર્ટ પર વધારાની સિકયુરીટી ગોઠવી દેવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર આવતા-જતા તમામ મુસાફરો પર વોચ રાખવામાં આવી રહી છે. ખાસ ટીમ દ્વારા સીસીટીવી સર્વેન્સ પર નજર રાખવામાં આવી રહી છે. એરપોર્ટ પર આવતા તમામ વાહનોની ચકાસણી કરવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિ કે વાહનની મુવમેન્ટ શંકાસ્પદ જણાય તો તરત જ પુછપરછ કરવામાં આવે છે. સ્થાનિક પોલીસ અને સીઆઈએસએફની ટીમ દ્વારા એરપોર્ટ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ડીસીપી કક્ષાના અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જે વિદેશી મહેમાનો અથવા ગુજરાત બહારના મહેમાનો સમીટમાં ભાગ લેવા એરપોર્ટ પર ઉતરશે તેમને પાયલોટીંગ સાથે સીધા જ કાર્યક્રમના સ્થળે લઈ જવા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ચોકકસ પોલીસ અધિકારીઓને આ માટે જવાબદારી સોંપાઈ છે. તેઓ આ માટે રિહર્સલ કરી રહ્યા છે. એરપોર્ટથી વાઈબ્રન્ટ સમીટ સુધીના રોડ રસ્તા પર વ્યવસ્થિત કરી દેવામાં આવ્યા છે.