નર્મદામાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવાયા

નર્મદા : અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડાની ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર કેટલાંક પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જે મુજબ સુપ્રિમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ઓછા એમિશન ઉત્પન્ન કરતા ફટાકડાને જ પરવાનગી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય, હવા પ્રદુષણ અને ઘન કચરો પેદા કરતા ભારે ઘોંઘાટવાળા ફટાકડા પર પ્રતિબંધ રહેશે.

ગ્રીન ક્રેકર્સના નામે પ્રતિબંધિત ફટાકડાનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરી શકાશે નહી. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટના તા. ૨૩ ઓક્ટોબર2018 ના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલ ફટાકડાનું વેચાણ કરવાનું રહેશે. વધુમાં વેચાણ માત્ર લાયસન્સધારક વેપારી કરી શકશે.

ઇ-કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. વધુમાં ફટાકડા માત્ર રાત્રે 8 થી 10 કલાક દરમિયાન જ ફોડી શકાશે. નૂતન વર્ષના તહેવાર દરમાયન રાત્રિના 11.55 થી 12.30 સુધી ફટાકડા ફોડી શકાશે.

હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર PESO દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. બોક્સ પર PESO ની સૂચના પ્રમાણેનું માર્કીંગ હોવું જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

વિદેશી ફટાકડા આયાત કરવા, રાખવા તેમજ વેચાણ કરવા પ્રતિબંધ છે. લોકોને અવગડ ઉભી ન થાય અને કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે નર્મદા જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલપીજી, બોટલીંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા કે દારૂખાનું ફોડી શકાશે નહીં. વધુમાં સ્કાય લેન્ટર્નનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં. તેમજ કોઈ પણ સ્થળે ઉડાડી શકાશે નહીં.આ જાહેરનામાની અમલવારી તા. 01/01/2024 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.