યુપીમાં પોલીસ ભરતીમાં ૩ વર્ષ ઉંમર મર્યાદાની છૂટ આપવાનો નિર્ણય

UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે.  મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખતે પોલીસ ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવા માટે મુખ્ય સચિવ ગૃહને સૂચના આપી છે. સીએમ યોગી આદિત્યનાથે યુપી પોલીસમાં કોન્સ્ટેબલ ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટ અંગે DGP  અને મુખ્ય સચિવ ગૃહને નિર્દેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી બોર્ડ ટૂંક સમયમાં જ કોન્સ્ટેબલની ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટનો આદેશ જારી કરશે.

UPPRPB દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે યુપી પોલીસમાં કોન્સ્ટેબલના કુલ 60,244 પદ પર ભરતી કરવામાં આવશે જેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે, 27 ડિસેમ્બર 2023થી શરૂ થઈ રહી છે. જોકે, ઘણા એવા ઉમેદવારો હતા જેઓ આ નોટિફિકેશનથી નિરાશ હતા. યુપી પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટે 5 વર્ષ બાદ અરજીઓ મંગાવવામાં આવી છે. આવી સ્થિતિમાં જે લોકો વર્ષોથી તૈયારી કરી રહ્યા છે તેઓ હવે ઓવરએજ થઈ ચૂક્યા છે. તેમની સરકાર પાસે માંગ હતી કે, તેમને ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવે. આ ભરતી માટેની ઉંમર મર્યાદા 18 વર્ષથી ઓછી પરંતુ 22 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

આ ભરતી પ્રક્રિયામાં અન્ય જાતિઓ માટે છૂટ આપવામાં આવી છે પરંતુ જનરલ કેટેગરીના ઉમેદવાર માટે કોઈ પણ પ્રકારની છૂટ નથી. ઉમેદવારો 2018થી આ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે. 2018 બાદ હવે પોલીસ ભરતીનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. જે અંગે ઉમેદવારોની માંગ હતી કે, સરકારે જનરલ કેટેગરીના લોકો માટે ઉંમર મર્યાદા 23 વર્ષથી વધારીને 25 અથવા 26 વર્ષ કરી દેવી જોઈએ.

ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં લગભગ 62 હજાર લોકો પોલીસ ભરતી માટે તૈયારી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, અમે 2018થી તૈયારી કરી રહ્યા હતા ત્યારથી અત્યાર સુધીમાં ભરતી બહાર પાડવામાં નથી આવી. હેવ જ્યારે ભરતી બહાર પડી તો અમે ઓવરએજ થઈ ગયા. તેમણે પણ માંગ કરી હતી કે, સરકારે અમને જનરલ કેટેગરીને 3 વર્ષની છૂટ આપવી જોઈએ જેથી અમારું ભવિષ્ય અંધકારમાં ન જઈ શકે.