નવીદિલ્હી,મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં મળેલી જોરદાર જીત બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ લોક્સભા ચૂંટણી માટે નવી રણનીતિ તૈયાર કરી છે. વિધાનસભા ચૂંટણીની જેમ ૨૦૨૪માં પણ પાર્ટી નવો પ્રયોગ કરી શકે છે. આ અંતર્ગત પાર્ટી ટૂંક સમયમાં જ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે અને સામાન્ય ચૂંટણીમાં રાજ્યસભાના સાંસદોને મેદાનમાં ઉતારી શકે છે.
અહેવાલ મુજબ, સૂત્રોનું કહેવું છે કે ભાજપે અગાઉ ઉમેદવારોની યાદી જાહેર કરીને વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મેળવ્યો હતો. તેમનું કહેવું છે કે આ રીતે પાર્ટીને તેના પ્રતિસ્પર્ધીઓ પર જીત મેળવવામાં મદદ મળશે. જો કે, સૂત્રો એમ પણ કહે છે કે પાર્ટી સામાન્ય ચૂંટણીમાં વિધાનસભામાં કરેલા પ્રયોગનું પુનરાવર્તન કરવાનું વિચારી રહી છે, પરંતુ હજુ સુધી આ અંગે કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.
સૂત્રોનું કહેવું છે કે હાલમાં વાતાવરણ પાર્ટીના પક્ષમાં છે, જે ભવિષ્યમાં પણ અમારા પક્ષમાં રહેશે. આવી સ્થિતિમાં આ પ્રયોગ કરવો યોગ્ય દિશામાં રહેશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અત્યારે ચરમસીમાએ છે, ત્યારે લોક્સભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કરવી એ ચૂંટણીની દિશામાં વધુ સારું પગલું સાબિત થશે, જે. પાર્ટીની તાકાત પણ વધારશે.
સૂત્રોએ જણાવ્યું કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના પક્ષ પ્રમુખો પણ બે દિવસીય બેઠકમાં હાજર રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા ઉમેદવારોના નામની જાહેરાત કેવી રીતે એક સફળ પગલું સાબિત થયું છે. રાજ્ય પક્ષના વડાએ કહ્યું કે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ બે યાદીના ઉમેદવારો માટે જીતવું સરળ હતું. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે ભાજપ જાન્યુઆરીના અંતમાં સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે, જ્યારે ચૂંટણી ફેબ્રુઆરી અથવા માર્ચમાં યોજવામાં આવી શકે છે. પાર્ટી રાજ્યસભાના સાંસદો અને અન્ય અગ્રણી ચહેરાઓને પણ ચૂંટણી લડવા માટે કહી શકે છે.