શ્રીનગર, પૂંછ આતંકવાદી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપીને ભારત-પાકિસ્તાન મંત્રણાની વકાલત કરી છે. તેમણે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત નહીં થાય તો જમ્મુ-કાશ્મીરની હાલત ગાઝા જેવી થઈ જશે. જો આપણે વાતચીત દ્વારા કોઈ ઉકેલ નહીં શોધીએ તો આપણી પણ દશા ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થશે, જેના પર ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે. અબ્દુલ્લા ગત સપ્તાહે પૂંછમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
નોંધનીય છે કે ૨૧મી ડિસેમ્બરે સાંજે લગભગ ૪.૪૫ વાગ્યે રાજૌરી/પૂંછના સુરનકોટ વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાનાં બે વાહન પર હુમલો કર્યો હતો, જેમાં ૪ જવાન શહીદ થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. સેનાનાં વાહનો ઓપરેશન માટે જઈ રહ્યાં હતાં. આ જ ઘટનામાં ત્રણ નાગરિકે પણ જીવ ગુમાવ્યા છે.
નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા વિવાદનો અંત નહીં લાવે તો કાશ્મીરની દશા પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવી થશે, જેના પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. જોકે ફારુક અબ્દુલ્લા ગયા અઠવાડિયે પૂંછમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં ભારતીય સેનાના ચાર જવાન શહીદ થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.
ફારુક અબ્દુલ્લાએ કહ્યું, ’જુઓ… મેં દર વખતે આવું કહ્યું છે. વાજપેયીજીએ કહ્યું હતું કે મિત્રો બદલી શકાય છે, પાડોશી બદલી શકાતા નથી. જો આપણે આપણા પડોશીઓ સાથે મૈત્રીપૂર્ણ રહીશું તો બંને પ્રગતિ કરશે. જો આપણે દુશ્મનાવટમાં રહીએ તો આગળ વધી શક્તા નથી. વડાપ્રધાન મોદીજીનું નિવેદન છે કે યુદ્ધ હવે કોઈ વિકલ્પ નથી, મુદ્દાઓને વાતચીતથી ઉકેલવા પડશે, હું પૂછું છું કે તે વાતચીત ક્યાં છે. આજે ઈમરાન ખાનને છોડોપ નવાઝ શરીફ ત્યાં વઝીર-એ-આઝમ બનવાના છે. તેઓ બૂમો પાડીને કહે છે કે આપણે વાત કરીશું. શું કારણ છે કે આપણે મંત્રણા માટે તૈયાર નથી?
જો આપણે મંત્રણા દ્વારા આનો ઉકેલ નહીં લાવીએ તો મને એ કહેતા દુ:ખ થાય છે કે આપણે પણ ગાઝા અને પેલેસ્ટાઈન જેવા જ ભાવિનો સામનો કરીશું, જ્યાં આજે ઇઝરાયલ દ્વારા બોમ્બમારો થઈ રહ્યો છે. કંઈપણ થઈ શકે છે, ફક્ત અલ્લાહ જ જાણે છે કે આપણું શું થશે. અલ્લાહ અમારા પર દયા કરો.
તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરને લઈને ફારુક અબ્દુલ્લાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગત ગુરુવારે પૂંછમાં આતંકવાદીઓએ સેનાના જવાનો પર ઓચિંતો હુમલો કર્યો હતો, જેમાં ચાર જવાનો શહીદ થયા હતા. બીજી તરફ ગાઝાને લઈને પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધના કારણે પેલેસ્ટાઈનમાં અત્યારસુધીમાં ૨૦ હજારથી વધુ લોકોનાં મોત થયાં છે.
અગાઉ આર્મી ચીફ મનોજ પાંડેએ સોમવારે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક સૈનિકોને ગુફાઓને નષ્ટ કરવા કહ્યું હતું, જેનો આતંકવાદીઓ દ્વારા છુપાયેલાં સ્થળો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમણે આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. રાજૌરી-પૂંછમાં ખાસ કરીને ડેરા કી ગલી અને બફલિયાજના જંગલ વિસ્તારમાં એરિયલ સર્વેલન્સ અને સર્ચ-ઓપરેશન મંગળવારે સાતમા દિવસે પણ ચાલુ રહ્યું. ત્યાં સતત ચોથા દિવસે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ રહી.
સૂત્રોએ જણાવ્યું હતું કે રક્ષામંત્રી રાજનાથ સિંહ બુધવારે રાજૌરી-પૂંછ સેક્ટરની મુલાકાત લેશે અને આંતરરાષ્ટ્રીય સરહદ વિસ્તારમાં ફરજ પર તહેનાત સૈનિકો સાથે વાતચીત કરશે. તે એવા નાગરિકોને મળશે, જેઓ આ વિસ્તારમાં આતંકવાદી હુમલા પછી પણ સંઘર્ષ કરી રહ્યા છે.