પ્રયાગરાજ, યુપીના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી બોમ્બર ગુડ્ડુ મુસ્લિમનું ઘર એટેચ કરવામાં આવ્યું છે. ગુડ્ડુ મુસ્લિમના ચકિયાના ઘરે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઢોલ વગાડીને આ અંગે લોકોને જાણ કરવામાં આવી છે. નોંધનીય છે કે પોલીસે ગુડ્ડુ પર ૫ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે.
ઉમેશ પાલ મર્ડર કેસમાં ખુલ્લેઆમ બોમ્બ હુમલા કરનારા માફિયા અતીક અહેમદના બોમ્બર ગુડ્ડુ મુસ્લિમ પર પોલીસે ફરી એકવાર સકંજો કસ્યો છે. આજે પ્રયાગરાજની ધુમાનગંજ પોલીસે ભાગેડુ જાહેર કરાયેલા ગુડ્ડુ મુસ્લિમના ઘર પર એટેચમેન્ટની કાર્યવાહી કરી હતી.
વાસ્તવમાં પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ગુડ્ડુ મુસ્લિમના આ ઘરને સીલ કરી દીધું હતું. આજે પીડીએની પરવાનગી લીધા બાદ પોલીસે ગુડ્ડુના ઘરના તાળા તોડી એક પછી એક તમામ સામાન બહાર કાઢ્યો હતો અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે નજીકના લોકોને પણ ડ્રમ વગાડીને જપ્તીની કાર્યવાહી અંગે જાણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીઓ ગુડ્ડુ મુસ્લિમના બોમ્બથી માર્યા ગયા હતા. ઘટના બાદ ગુડ્ડુ મુસ્લિમ અને અતીકની પત્ની શાઈસ્તા પરવીન એક્સાથે ફરાર થઈ ગયા હતા. ત્યારથી લઈને આજદિન સુધી તેના વિશે કોઈ સુરાગ મળ્યો નથી.
પોલીસે ફરાર ગુડ્ડુ મુસ્લિમ પર ૫ લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું છે. અગાઉ પોલીસે ગુડ્ડુ મુસ્લિમના શિવકુટી ઘરને ગેંગસ્ટર એક્ટની કલમ ૧૪-૧ હેઠળ અટેચ કર્યું હતું. ગુડ્ડુ મુસ્લિમની શોધમાં એસટીએફ અને પોલીસે ઓડિશા, છત્તીસગઢ, મુંબઈ, દિલ્હી, પુણેમાં શોધખોળ કરી હતી, પરંતુ અતીકનો આ દુષ્ટ બોમ્બર હજુ પણ પોલીસની પહોંચની બહાર છે.
ઉમેશ પાલ મર્ડર કેસમાં નામ આપવામાં આવેલા અતીકની પત્ની શાઇસ્તા પરવીન, અશરફની પત્ની ઝૈનબ, અતીકનો શૂટર અરમાન, સાબીર અને ગુડ્ડુ મુસ્લિમ સતત લોકેશન બદલી રહ્યા છે અને ફરાર છે, જેના કારણે પોલીસ તેમનું લોકેશન શોધી શક્તી નથી. એસીપી વરુણ કુમારનું કહેવું છે કે તમામ આરોપીઓ અંગે કેટલાક ઈનપુટ મળ્યા છે, પરિણામ ટૂંક સમયમાં આવશે.