રાજસ્થાનના બાડમેરમાં કાર અકસ્માત, ૩ ગુજરાતીઓના કરુણ મોત, એક ગંભીર

અમદાવાદ: રાજસ્થાનના બાડમેરમાં 2 ગાડીઓના અકસ્માતમાં 3 ગુજરાતીઓના કરુણ મોત નિપજ્યા છે. બાડમેરના ધોરીમના વિસ્તારમાં 2 ગાડીઓની ભીષણ ટક્કર થઈ હતી. જેમાં ગાડીમાં સવાર 4 મિત્રોમાંથી 3ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. અકસ્માત બાદ અન્ય કારચાલક ફરાર થયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. કારમાં સવાર ચારેય મિત્રો ગુજરાત તરફ પરત ફરી રહ્યાં હતાં. જે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી.

બાડમેર જિલ્લાના ધોરીમાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH 68 બોર ટોલ પ્લાઝા પાસે બે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. ટક્કર મારનાર ચાલક ફરાર થઇ ગયો હતો. આસપાસના લોકોએ ઘાયલો અને મૃતકોને બહાર કાઢ્યા અને ધોરીમન્ના હોસ્પિટલમાં લાવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ ગુજરાત રીફર કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સોમવારે સવારે લગભગ 7 વાગ્યે ચાર લોકો કારમાં ગુજરાત તરફ જઈ રહ્યા હતા. આ બોર ટોલના એક કિલોમીટર પહેલા તેમને સામેથી આવતા વાહને ટક્કર મારી હતી. કારમાં સવાર ચાર લોકો અંદર ખરાબ રીતે ફસાઈ ગયા હતા. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઘણી જહેમત બાદ ડ્રાઈવર અને આગળ બેઠેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ચાર ઘાયલોને ધોરીમન્ના હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં તબીબે ત્રણ લોકોને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ ડીસા રીફર કરવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્તની ઓળખ વિષ્ણુભાઈ (49) તરીકે થઈ છે, જેઓ ગાંધીનગરમાં રહે છે. મૃતકોની ઓળખ જીગ્નેશ કુમાર, જીતિનભાઈ, વિષ્ણુભાઈ રહેવાસી ગાંધીનગર તરીકે થઈ છે. કારની ટક્કર જેની સાથે થઇ હતી તે અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. અકસ્માત અંગે મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. મૃતકના સ્વજનો આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.