વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલનું ખોટુ ફેસબુક આઈડી બનાવી છેતરપિંડીનો પ્રયાસ

મહેસાણા , મહેસાણા ના વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને કાર ડીલર રમણ પટેલના નામે છેતરપિંડી આચરવાનો પ્રયાસ સામે આવ્યો છે. સીઆરપીએફનો જવાન હોવાનું કહીને પૂર્વ ધારાસભ્ય રમણ પટેલે નંબર આપ્યાની વાત કરીને ઠગાઈ કરાઈ હતી. ઘટના બાદ હવે પોલીસે તપાસ શરુ કરી છે. ઠગ સાથેની વાતચિતની ઓડિયો ક્લીપ પણ સામે આવી હોવાને લઈ પોલીસે એ દિશામાં તપાસ શરુ કરી છે.

મહેસાણાના પૂર્વ ધારાસભ્યનું ફેક ફેસબુક આઈડી બનાવીને ઠગાઈ આચરવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. અજાણ્યા શખ્શે રમણ પટેલની તસ્વીર સાથે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવીને લોકોને મેસેજ અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવતી હતી. આ દરમિયાન લોકોની સાથે ઠગાઈ આચરવા માટે જાળ બિછાવતી વાત પણ કરવામાં આવતી હતી. જેમાં એક વ્યક્તિને રમણ પટેલના દ્વારા નંબર મળ્યાનું કહીને ઠગાઈ આચરવામાં આવી હતી.

પૂર્વ ધારાસભ્ય રમણ પટેલે નંબર આપ્યાનું કહીને સીઆરપીએફ જવાનની ઓળખ આપી હતી. તેણે હાલમાં રાજકોટથી જમ્મુ બદલી થઈ હોવાની વાત કહી હતી. જેથી ઘરનું ફર્નિચર તાત્કાલિક વેચાણ કરવાનું હોવાની વાત કરી અને એક વ્યક્તિને પોતાની વાતોમાં ફસાવ્યો હતો. આ માટે ફર્નિચર ના ફોટા વ્હોટસેપથી મોકલવા માટેની ચર્ચા કરીને છેતરપિંડી આચરવાનો પ્રયાસ કરવાની ઓડિયો ક્લિપ સામે આવતા પોલીસે હવે તપાસ શરુ કરી છે.