શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામ ખાતે દીપડો પાંજરે નહીં પુરાતા ગ્રામજનોમાં ડરનો માહોલ

શહેરા, શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામના નદી કિનારા સહિતના અન્ય વિસ્તારમાં દીપડાએ દસ દિવસથી દેખા દેતા ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે એક સપ્તાહથી વન વિભાગ એ મુકેલ પાંજરામાં દીપડો નહી પુરાતા બકરી સહિતના પશુઓનું દીપડો મારણ કરતો હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળેલ હતું.

શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામના નવાઘરા ફળિયા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં 15 ડિસેમ્બરની સાંજે દીપડા એ મહિલા પર હુમલો કરીને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, વન વિભાગ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને દિપડા ની અવરજવર વાળી જગ્યાએ દીપડાને પાંજરે પુરવા માટે નદી કિનારા પાસે પાંજરૂ મુકવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા એક સપ્તાહથી મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પાંજરે નહી પુરાતા ગ્રામજનોમાં ડરનો માહોલ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જ્યારે આ ગામના ભગીરથસિંહ સોલંકી એ જણાવ્યું હતું કે, પાંજરામાં બકરી મૂકવામાં આવે તો દીપડો પકડાઈ શકે અને હાલમાં દીપડા એ બકરીનુ મારણ પણ કરેલ છે. દીપડાને વહેલી તકે પકડી પાડે વન વિભાગ એવી ગ્રામજનોની માંગ છે. જુના વલ્લવપુર ગામના અમુક ગ્રામજનોને કેટલાક દિવસોથી દિપડો જોવા મળતા રાત્રી પડતાની સાથે ગામના લોકોની અવરજવર પર બ્રેક લાગી જતી હોય તેમજ નાછૂટકે ઘરની બહાર રાત્રે નીકળવું પડે તો બે ઘડી વિચાર કરવો પડતો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહયું છે. આ ગામમાં દીપડાને લઈને દિવસ ઉગતાની સાથે ચર્ચાનો મુદ્દો શરૂ થતો હોય અને રાત્રી પડતાની સાથે ગ્રામજનોમાં દીપડાને લઈને થોડો ઘણો ડર જોવા મળી રહયો હતો. દીપડો વધુ ખૂંખાર અને માનવ ભક્ષિ બને તે પહેલા વન વિભાગ પાંજરે પૂરે તેવી માંગ હાલ ગ્રામજનો માંથી ઉઠી રહી છે.