જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા

નવીદિલ્હી, દેશભરમાં શિયાળો જામ્યો છે, તેવામાં ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જમ્મૂ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સતત હિમવર્ષા થવાના કારણે પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના ભાગોમાં ઠંડી વધી ગઈ છે. જ્યારે રાજસ્થાનમાં કેટલાક સ્થળો પર હળવો વરસાદ થયો હતો.જાણો હવામાન વિભાગની આગાહી.

જમ્મૂ-કાશ્મીરના કિશ્તવાડના સિંથન ટોપમાં હિમવર્ષા થઈ છે જેના કારણે કિશ્તવાડ-અનંતનાગ માર્ગને બંધ કરવામાં આવ્યો છે. શ્રીનગર સહિત પ્રમુખ સ્થળો પર ન્યૂનત્તમ તાપમાનમાં વધારો નોંધાયો હતો.

હિમાચલ પ્રદેશમાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ફેમસ અટલ ટનલ રોહતાંગ બંને છેડે બરફથી ઢંકાઈ ગઈ હતી. જેના કારણે વાહનો માટે અટલ ટનલ બંધ કરી દેવામાં આવી હતી. કુલ્લૂ, લાહોલ-સ્પીતિ, ચમ્બા, સિસ્સૂ, બારાલાચા અને કોક્સરમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.

રાજસ્થાનની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કેટલાક સ્થળો પર હળવો વરસાદ નોંધાયો હતો. ત્યાં રાત્રીના સમયે તાપમાનમાં ૨થી૪ ડિગ્રીનો વધારો થયો છે. હરિયાણામાં આજે કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. ઠંડી વધતા રાજ્ય સરકારે ૧ થી ૧૫ જાન્યુઆરી સુધી શાળાઓમાં શિયાળું વેકેશનની જાહેરાત કરી છે.