મણિપુરમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ: સર્ચ ઓપરેશનમાં હથિયારો અને દારૂગોળાનો મળ્યો ભંડાર

ઈમ્ફાલ, આસામ રાઈફલ્સે મણિપુર પોલીસ સાથે એક સંયુક્ત સર્ચ ઓપરેશનમાં મોટી હિંસાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. નોની જિલ્લાના કોબુરુ રિજમાંથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળા મળી આવ્યા છે.ઈનપુટના આધારે આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસની એક સંયુક્ત ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સંયુક્ત સર્ચ ઓપરેશનમાં એક એકે ૫૬ રાઈફલ, એક સિંગલ બેરલ બંદૂક, દારૂગોળો, છ ગ્રેનેડ અને યુદ્ધ જેવા ભંડાર મળી આવ્યા છે.

૬ ડિસેમ્બરના રોજ પણ આસામ રાઈફલ્સે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈન્ડિયન રિઝર્વ બટાલિયન અને ચુરાચંદપુર પોલીસ સાથે એક સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશનમાં ચુરાચંદપુર જિલ્લાના ડી હાઓલેનજાંગ ગામના વિસ્તારમાં હથિયારો અને યુદ્ધ જેવા ભંડાર મળી આવ્યા હતા.

આ અગાઉ આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે મણિપુર સરકારને જાતિ હિંસામાં નાશ પામેલા પૂજા સ્થાનોને પુન:સ્થાપિત કરવા માટે લેવામાં આવેલા પગલાં વિશે કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિને વિગતો આપવા માટે જણાવ્યું હતું.

મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો સાથે સબંધિત હિંસા ૩ મેના રોજ ઓલ ટ્રાઈબલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ મણિપુરની રેલી બાદ ભડકી હતી. હિંસા અને રમખાણો ચાલુ રહેતાં અને ઘણા લોકોના મોત થતા કેન્દ્રએ શાંતિ પુન:સ્થાપિત કરવા માટે અર્ધલશ્કરી દળોને તૈનાત કરવા પડ્યા હતા.