શ્રીનગર : જમ્મુ કાશ્મીરના અખનૂરમાં સૈન્યને મોટી સફળતા મળી છે. આઇબી સેક્ટરમાં ચાર આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે સૈન્યએ આતંકીઓના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. મોડી રાત્રે આતંકીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સૈન્ય એલર્ટ થઇ ગયું અને સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. જેનો મૃતદેહ અન્ય આતંકીઓ પાકિસ્તાન તરફ પરત લઇને ભાગી ગયા હતા. જોકે આ ઘૂસણખોરી વચ્ચે અન્ય એક અહેવાલ સામે આવ્યો છે જે મુજબ પૂંચ સેક્ટરમાં આતંકીઓની સંખ્યા વધારીને લદ્દાખથી સૈન્યને હટાવવાનું કાવતરુ પાક. અને ચીને ઘડયું છે.
પૂંચ એન્કાઉન્ટરના કેસમાં સૈન્ય દ્વારા જે ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી તેમના મોત નિપજ્યા છે. જે સ્થળે સૈન્ય પર હુમલો થયો હતો ત્યાંથી આ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સૈન્ય પર ગુરુવારે હુમલો થયો હતો જેમાં પાંચ જવાન શહીદ થઇ ગયા હતા. અને બે ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે તેઓની સૈન્ય દ્વારા અગાઉ પૂછપરછ કરવામાં આવી હતી. તેમના મોતનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું. હાલ આ મામલે સૈન્ય અને પોલીસ બન્ને તપાસ કરી રહી છે.
બીજી તરફ એવા અહેવાલો સામે આવ્યા છે કે જમ્મુ કાશ્મીરના રાજૌરી-પૂંચ સેક્ટરમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વન ક્ષેત્રમાં આશરે ૩૦ પાકિસ્તાની આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી છે. હાલ લદ્દાખ સરહદે જે જવાનો તૈનાત છે તેને જમ્મુ કાશ્મીરના જંગલો તરફ વાળવા માટે પાકિસ્તાન અને ચીને આ કવતરુ ઘડયું હોવાના અહેવાલો છે. આતંકીઓની સંખ્યા વધારીને સૈન્યને લદ્દાખ સરહદેથી હટાવવાનો પ્લાન ઘડાયો છે. જોકે આ અંગે સૈન્ય દ્વારા કોઇ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી.
કેટલાક મીડિયા અહેવાલોમાં આ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં પૂંચ વિસ્તારમાં સ્થિતિ વધુ કફોડી છે. આ જ વિસ્તારમાં સૈન્ય પર હુમલો થયો જેમાં પાંચ જવાનો શહીદ થયા, ત્રણ નાગરિકોના મૃતદેહ પણ આ જ વિસ્તારમાંથી મળી આવ્યા જ્યારે હવે આ વિસ્તારમાં શાંતિ ડોળવા માટે ધરણા પ્રદર્શનો શરૂ થઇ ગયા છે. જે નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે તેઓની સૈન્ય દ્વારા અગાઉ પૂછપરછ થઇ હતી, તેથી આ મુદ્દે વિવાદ સર્જાયો છે. જોકે સૈન્યએ કહ્યું છે કે તે તપાસમાં સહયોગ આપશે અને જે પણ હત્યારા હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.