અમદાવાદ, રાજ્યમાં હાલ વહેલી સવારે લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો સવારે ઉત્તર પૂર્વનાં ઠંડા પવનો ફૂંકાય છે. ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઓછું થતા સૂર્ય દેવતાનાં દર્શન થાય છે.અને સાથે સાથે વાતાવરણમાં પણ ફેરફાર થતા તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી નીચું જવાની શક્યતાઓ છે.
દર વર્ષે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે. હવે ડિસેમ્બર મહિનો પૂર્ણ હજુ એક અઠવાડિયું બાકી છે. તો પણ લઘુત્તમ તાપમાન ૩ થી ૫ ડિગ્રી નોંધાયું છે. વહેલી સવારે તેમજ રાત્રે લોકો ઠંડીનો અનુભવ કરીએ છીએ. હવામાન વિભાગ દ્વારા કહ્યું હતું કે, શિયાળામાં તાપમાન સામાન્ય કરતા થોડું ઉંચું રહેશે. તેમજ કોલ્ડવેવની શક્યતા ખૂબ ઓછી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, વારંવાર વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં લીધે તાપમાનમાં વધ ઘટ થઈ રહી છે. ૨૫ ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે.૨૫ ડિસેમ્બર નાતાલ બાદ તા. ૨૯ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. ત્યારે થોડા દિવસ બાદ હવામાન પલટાયું છે. ત્યારે ૫ અને ૬ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે. જે બાદ ૧૦ થી ૧૩ જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં હવામાનમાં પલટો સર્જાશે.
રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં ૧૬.૫ ડિગ્રી તાપમાન નોંધાવવા પામ્યું હતું. ભુજનું તાપમાન ૧૫.૪ ડિગ્રી નોંધાયું હતું. ડીસાનાં તાપમાનની વાત કરીએ તો ૧૩.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલિયાનું લઘુત્તમ તાપમાન ૧૦.૮ ડિગ્રી નોંધાયું હતું. તો રાજકોટનું તાપમાન ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું.