આણંદ જિલ્લામાં બે દિવસ વાદળછાયા વાતાવરણ બાદ ફરી ઠંડીનો ચમકારો

આણંદ, બે દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ આકાશમાંથી વાદળો હટતા પુન: એકવાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આણંદ જિલ્લામાં શનિવારે લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે ગગડી જતાં જિલ્લાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.

ત્રણ દિવસ પૂર્વે રાજ્યના હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે આણંદ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને છેલ્લા બે દિવસથી આંશિક વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ગયો હતો.

જો કે હવે આકાશમાંથી વાદળો હટતાની સાથે જ ફરીથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. શનિવારે લઘુત્તમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રીથી નીચે જતા સમગ્ર જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ખાસ કરીને પરોઢીયે ઠંડીનો ચમકારો અનુભવાતા લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ગરમ વસ્ત્રો ધારણ કરવાની ફરજ પડી હતી. સાથે સાથે શ્રમિક વર્ગ તાપણાનો સહારો લેતો નજરે પડયો હતો. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શનિવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૧૪.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા અને પવનની ઝડપ ૩.૦ કિ.મી./કલાક રહી હતી. આગામી પાંચ દિવસ દરમિયાન જિલ્લામાં ઠંડીનું જોર યતાવત રહેશે અને જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.