અમદાવાદમાં આજે કોરોનાના 5 કેસ:બોડકદેવ, નારણપુરા, ખાડિયા, દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા.

  • અમદાવાદમાં આજે કોરોનાના 5 કેસ
  • બોડકદેવ, નારણપુરા, ખાડિયા, દરિયાપુરમાં પોઝિટિવ કેસ
  • પાંચ કેસમાંથી બે પુરુષ અને 3 મહિલા સંક્રમિત થયાં છે

અમદાવાદમાં આજે કોરોનાના વધુ 5 કેસ સામે આવ્યા છે. શહેરના બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. બે દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી બેંગલુરુની નીકળી છે. પાંચ કેસમાંથી બે પુરુષ અને 3 મહિલા સંક્રમિત થયાં છે. અમદાવાદમાં અત્યારસુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે, જેમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.

દેશમાં 24 કલાકમાં 656 નવા કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મોત પણ થયું છે. કોરોનાના એક્ટિવ કેસ સંખ્યા 3742 પર પહોંચી છે. શનિવારે કોરોનાના 423 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ વધ્યા બાદ કેન્દ્ર સરકારે પણ રાજ્યોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. તેના નિવારણ માટે આ બેઠકમાં જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી છે.

ડોક્ટરોએ પણ ચેતવણી આપી
હવે ડોક્ટરો પણ લોકોને કોરોના વિશે ચેતવણી આપી રહ્યા છે. આ જ કારણ છે કે લોકોના ચહેરા પર માસ્ક ફરી દેખાવા લાગ્યા છે. કારણ કોવિડનું નવો સબ-વેરિયન્ટ JN.1 છે, જેના કેસ વધી રહ્યા છે, પરંતુ આનાથી નર્વસ કે ડરવાને બદલે લોકોએ સાવચેત અને સતર્ક રહેવાની જરૂર છે. આ સલાહ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડોક્ટરોએ આપી છે. ડોક્ટર નીરજ નિશ્ચલે કહ્યું, દેશનાં ઘણાં રાજ્યોમાં લોકો COVID-JN.1ના નવા સબ-વેરિયન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યાં છે, એથી ગભરાવાની જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે.

કેવી રીતે તમારી અને અન્ય લોકોની સુરક્ષા કરવી?

  • જ્યારે બહાર જાઓ ત્યારે માસ્ક પહેરવું.
  • જો શરદી, તાવ અથવા કોવિડ-19નાં લક્ષણો હોય તો ઘરે જ રહો અને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ટેસ્ટિંગ કરાવવું.
  • કોવિડ-19 વેક્સિનેશન રોગ અટકાવવા માટે ખૂબ જ મહત્ત્વનું છે.
  • છીંક આવે ત્યારે મોં પર રૂમાલ રાખવો અથવા કોણી પર મોં રાખીને છીંક અથવા ઉધરસ ખાવી.
  • એકબીજાના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
  • નિયમિત તમારા હાથ ધોવો અને સૂકા કરો.
  • વૃદ્ધ, બાળકો, સગર્ભા માતાઓ તેમજ બીમાર વ્યક્તિઓએ ઘરથી બહાર જવાનું ટાળવું જોઈએ.
  • કોવિડ-19 કેવી રીતે ફેલાય છે?
  • કોવિડ-19 સામાન્યપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ શ્વાસ લે, ઉધરસ ખાય, છીંક ખાય અથવા ગાય ત્યારે વાઇરસ ધરાવતા કણો તેમનામાંથી અન્ય લોકો પર ફેલાઈ શકે છે.

શું ન કરવું

  • એવાં બંધ સ્થળો, જ્યાં હવાની સારી અવરજવર ન હોય
  • એવી જગ્યાઓ, જ્યાં ઘણા લોકો એકબીજાની નજીકમાં હોય