કેલિફોર્નિયા: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે શનિવારે કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિરમાં થયેલી તોડફોડની સખત નિંદા કરી છે. તેમણે આ મામલે નેવાર્ક પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું અમે નેવાર્ક પોલીસના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ.
પોલીસ રિપોર્ટ અનુસાર, ખાલિસ્તાની સમર્થક કાર્યકરો દ્વારા નેવાર્કમાં હિંદુ મંદિરની તોડફોડ બાદ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ નિવેદન બહાર પાડ્યું છે. ખાલિસ્તાની સમર્થકોએ શુક્રવારે મંદિરના બહારના ભાગોમાં તોડફોડ કરી હતી. મંદિરના પ્રવક્તા ભાર્ગવ રાવલે કહ્યું કે, મંદિરની નજીક રહેતા એક ભક્તે ઇમારતની બહારની દિવાલ પર કાળી શાહીથી ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. તેણે તરત જ સ્થાનિક પ્રશાસનને જાણ કરી.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના અંગેના પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું, ’મેં સમાચાર જોયા. જેમ તમે જાણો છો, અમે આ વિશે ચિંતિત છીએ. અલગતાવાદીઓ અને ઉગ્રવાદીઓને ભારતની બહાર સ્થાન મળવું જોઈએ નહીં. અમારા કોન્સ્યુલેટે આ ઘટના અંગે અમેરિકન સરકાર અને ત્યાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અમને વિશ્વાસ છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
દરમિયાન, નેવાર્ક પોલીસે તેને જાણીજોઈને બનેલી ઘટના ગણાવી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે નેવાર્કના સભ્યો અને પોલીસ તરીકે અમે આ ઘટનાથી દુખી છીએ. અમે અહીં આવા લોકોને સહન કરી શક્તા નથી. તમે સમજી શકો છો કે અમે આ ઘટનાને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે તેની ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરીશું.