ગોધરા,ગોધરાના ધાણીત્રા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનો ઓછા જોવા મળવા સાથે કોંગ્રેસ નેતા દુષ્યંતસિંહ ચૌહાણ દ્વારા બે વર્ષથી વહીવટદાર હોવાથી ગામનો વિકાસ અટક્યો હોવાનું જણાવવા સાથે તલાટી અને વહીવટદારને અપાતા પ્રમાણપત્રનો વિરોધ કર્યો હતો.
ગોધરાના ધાણીત્રા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ ગામમાં વસ્તીનું પ્રમાણ જોવા જઈએ તો 3000 કરતાં વધુ વસ્તી ધરાવતું આ ગામ હોવા છતાં આ કાર્યક્રમમાં ગ્રામજનોની ઓછી સંખ્યા જોવાઇ હતી. આ ગામના યુવા અગ્રણી અને કોંગ્રેસ નેતા દુષ્યંતસિંહ ચૌહાણએ વહીવટદાર અને તલાટીની સારી કામગીરીને લઈને અપાતા પ્રમાણપત્રોને વિરોધ કરવા સાથે ફોન કરે તો ફોન પણ નહીં ઉપાડતા હોવાનું જણાવવા સાથે નલ સે જલ યોજના અંતર્ગત ગામના અમુક વિસ્તારોમાં હાલમાં પણ પાણી મળી રહ્યું ન હોવાથી ગામના લોકોને તકલીફ પડે છે. બે વર્ષથી વહીવટદાર હોવાથી ગામ પંચાયતનો વિકાસ થતો અટકી ગયો છે. ગૌચર જમીનમાં થતા ખોદકામ સામે કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત તેઓ દ્વારા કરવામાં આવવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવતા તેઓ ઉચ્ચકક્ષાએ આવનાર દિવસોમાં ખનીજ ચોરી અટકે તે માટે રજૂઆત કરનાર છે. જે રીતે આ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓને કોંગ્રેસ નેતા દુષ્યંતસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હોય ત્યારે સંબંધિત તંત્રના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ગામની મુલાકાત લઈને ગ્રામજનોને નલ સે જલ યોજનાનું પાણી ઘરે-ઘરે મળે એ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેમજ વિકાસલક્ષી કયા કામો થયા છે કે નહિ એની પણ તપાસ કરવામાં આવે એ પણ જરૂરી લાગી રહયુ છે.