લુણાવાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સ્વેટર અને બ્લેન્કેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઇ ચુકી છે ત્યારે સેવાભાવી દાતાઓ વંચિત લોકોને ઠંડીમાંથી રાહત મળે તે માટે સેવાની સરવાણી વહાવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુકાટીંબા પ્રાથમિક શાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના અધ્યક્ષસ્થાને સેવાભાવી દાતા ડો. આર બી પટેલ અને લાયન્સ ક્લબ દ્વારા જેથરીબોર ગામની બે શાળાઓ અને કેળ તથા ગુગલીયા મળી કુલ ચાર ગામની પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર વિતરણ તથા ગરીબ પરિવારોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કાર્યક્રમને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારીએ દાતાઓની અંતરિયાળ વિસ્તારમાં લોકસેવાની ઉમદા ભાવનાને બિરદાવી હતી. જાણીતા તબીબ ડોક્ટર આર બી પટેલે બાળકોને અભ્યાસમાં વધુ કાળજી લઇ સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને ઉમદા નાગરિક બનવા અપીલ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના બાળકોને અભ્યાસમાં આગળ વધવા પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર સી વી લટા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરતસિંહ બારીયા, અધિકારીઓ, લાયન્સ કલબના સભ્યો, બીઆરસી, સીઆરસી શાળાના આચાર્ય શિક્ષકો અને વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર વીરભદ્ર સિસોદિયા