રિયા ચક્રવર્તીએ બ્રાન્ડ ઈવેન્ટ માટે વિદેશ જવા હાઈકોર્ટની મંજૂરી માગી

મુંબઇ, સુશાંત સિંહના શંકાસ્પદ મોત મામલે રિયા ચક્રવર્તી પણ સંડોવાયેલી છે અને સીબીઆઈ દ્વારા રિયા સામે લૂક આટ સર્ક્યુલર ઈશ્યૂ થયેલો છે. સીબીઆઈ દ્વારા લેવાયેલા આ પગલાના કારણે રિયા ચક્રવર્તી વિદેશ પ્રવાસે જઈ શકે તેમ નથી. રિયાએ લૂક આઉટ સર્ક્યુલરને પડકારતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરી છે. જેમાં રિયા તરફથી રજૂઆત થઈ છે કે બ્રાન્ડ ઈવેન્ટ માટે વિદેશ જવું જરૂરી હોવાથી મંજૂરી મળવી જોઈએ.

રિયાએ કામચલાઉ ધોરણે લૂક આઉટ સર્ક્યુલર રદ કરવા દાદ માગતી અરજીમાં રજૂઆત કરી હતી કે, ૨૭ ડિસેમ્બરથી ૨ જાન્યુઆરી દરમિયાન તેને દુબઈનો પ્રવાસ કરવાનો છે. તે પેટ ફૂડ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ બ્રાન્ડની ઈવેન્ટમાં ભાગ લેવો તે વ્યવસાયનો એક ભાગ છે. રિયાની આ અરજીનો વિરોધ કરતાં સીબીઆઈ તરફથી દલીલ થઈ હકી કે, રિયાએ જે બ્રાન્ડ સાથે એસોસિએશનનો દાવો કર્યો છે, તે બ્રાન્ડની એમ્બેસેડર બદલાઈ ચૂકી છે. પેટ ફૂડ બ્રાન્ડની એમ્બેસેડર હવે કિયારા અડવાણી છે. આ બાબતની ખરાઈ કરવા માટે સીબીઆઈ દ્વારા વધારે સમય માગવામાં આવ્યો હતો. બંને પક્ષની દલીલો બાદ હાઈકોર્ટે ૨૬ ડિસેમ્બરે આ કેસની વધુ સુનાવણી રાખી છે.

ઉલ્લેખનીય છે કે, ૧૪ જૂન, ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂત મૃત અવસ્થામાં તેમના ઘરે મળી આવ્યા હતા. અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મુંબઈ લીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે બિહાર પોલીસે અન્ય એક ગુનો નોંધી રિયા તથા તેના પરિવારને સુશાંતની આત્મહત્યા માટે જવાબદાર ઠેરવ્યા હતા. બાદમાં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર થયો હતો. જેમાં સીબીઆઈ દ્વારા રિયા તથા તેના ભાઈ સૌવિક સામે ઓગસ્ટ મહિનામાં લૂક આઉટ સર્ક્યુલર ઈશ્યૂ થયો હતો. બાદમાં હાઈકોર્ટે તેના ભાઈને વિદેશ પ્રવાસની મંજૂરી આપી હતી અને આ સર્ક્યુલર કામચલાઉ રદ કર્યો હતો.