ગાંધીનગર, ગીતા જયંતી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આજે એટલે કે ૨૨ ડિસેમ્બરે ગીતા જયંતિ ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધર્મમાં ધર્મ ગ્રંથોનું મહત્વ ઘણું છે, તેમા પણ ભગવદ્ ગીતાને ખૂબ અગત્યતા આપવામા આવે છે અને લોકો દ્વારા તેનું પઠન કરવામાં આવે છે.
જ્યારે રણભૂમિમાં અર્જુને પોતાની સમક્ષ યુદ્ધમાં પોતાના જ સંબંધીઓને જોયા, ત્યારે તે ખૂબ વિચલિત થઇ ગયા. અર્જુને શસ્ત્ર ઉપાડવાની ના કહી દીધી. ત્યારે યુદ્ધમાં તેમના સારથી બનેલ શ્રીકૃષ્ણએ તેમના જ્ઞાનચક્ષુ ખોલીને તેમને ઉપદેશ આપ્યો,જેને ગીતા જ્ઞાન કહે છે. મહાભારત ગ્રંથના આ ૭૦૦ શ્લોક જેમાં ઊંડું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવ્યું છે, તેને ભગવદ્ ગીતાના નામે ઓળખવામાં આવે છે.
જે લોકો નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરે છે અને તેમાં જણાવેલ વાતો પોતાના જીવનમાં ઉતારે છે, તેમના માટે જીવનની મોટામાં મોટી મુશ્કેલી પણ સરળ થઇ જાય છે. તમે ઘણી વખત સાંભળયુ હશે કે ગીતામાં મનુષ્યના જીવનને લગતી દરેક સમસ્યાઓના જવાબ છે, તે સાચું જ છે. તેમાં પણ વિદ્યાર્થીના જીવનમાં સ્થિરતા અને તેના સર્વાંગી વિકાસ માટે શ્રીમદ ભગવદ ગીતામાં દર્શાવેલ આદર્શો અને મૂલ્યો ઘણા ઉપયોગી બની શકે છે. તેના માટે જ ગીતા જયંતીના દિવસે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં નવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે, આ પુસ્તકને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયું છે. આ પુસ્તકમાં ગીતાના મંત્ર અને તેમના ગુજરાતી ભાષાંતરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતા જયંતીના દિવસે જ શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તક વિમોચન કરવામાં આવ્યું છે, આ પુસ્તકનો વર્ષ ૨૦૨૪ ના નવા સત્રથી અભ્યાસમાં સમાવેશ કરવામા આવશે. આ પુસ્તકમાં ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર સાથે તૈયાર કરવામાં આવ્યું છે. શિક્ષણમંત્રીની હાજરીમાં આ નવા અભ્યાસક્રમના પુસ્તકનું વિમોચન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે.
માનનીય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ પુસ્તકનો સમાવેશ અભ્યાસક્રમમાં કરતાં સમયે તેની સકારાત્મક અસર વિશે કહ્યું હતું કે, આ પુસ્તકના અભ્યાસક્રમથી વિધાર્થીઓમાં ડિપ્રેશન ઘટશે તેનાથી આત્મહત્યામા પણ ઘટાડો થશે, અર્જુન સૌપ્રથમ ડિપ્રેશન નું ભોગ બન્યો હતો જેને કૃષ્ણ દ્વારા ગીતા જ્ઞાનથી ડિપ્રેશન માંથી બહાર નીકળ્યો હતો.