પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તારીખ અને સ્થળ અંગે સમાચાર આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે હાર્દિક પટેલે ચૂંટણી લડવાના પણ સંકેત આપ્યા છે. હાર્દિક પટેલ 30 મે અથવા 31 મેના રોજ ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. તેને શુક્રવારે અમદાવાદમાં આ અંગેનો ઈશારો કરીને ચૂંટણી લડવાનો ઈદારો પણ વ્યક્ત કર્યો હતો.
હાર્દિકે એક કાર્યક્રમમાં સંકેત આપ્યો છે કે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને પાર્ટી નક્કી કરશે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ સોમનાથ મંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની એકતા યાત્રાનું નેતૃત્વ કરશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, હાર્દિક પટેલ ભાજપમાં જોડાવા માટે આ એક ભવ્ય કાર્યક્રમ હશે.
તેને ભાજપમાં જોડાવા માટે બે વિકલ્પ આપવામાં આવ્યા હતા. એક દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં અથવા તો ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં અથવા બી એલ સંતોષની હાજરીમાં ગાંધીનગરમાં પાર્ટીમાં જોડાઈ શકે. તેણે બીજો વિકલ્પ પસંદ કર્યો છે. સૂત્રોએ જણાવ્યું કે હાર્દિક અને ભાજપ આ દિવસે એક મોટી સભાને સંબોધવાનું આયોજન કરી રહ્યા છે.
હાર્દિકે 18 મેના રોજ કોંગ્રેસમાંથી પાર્ટીના કાર્યકારી પ્રમુખ તેમજ પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાશે. એક દિવસ પછી એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે મીડિયાને કહ્યું કે તે શુક્રવારે પોતાનો નિર્ણય જાહેર કરશે. જે દિવસથી હાર્દિકે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી તે પાર્ટી પર પ્રહારો કરી રહ્યો છે. તેમણે કહ્યું છે કે પાર્ટી પાટીદાર વિરોધી અને ગુજરાત વિરોધી છે. તેમણે કહ્યું કે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓના કાર્યો પણ ગુજરાત વિરોધી છે. હાર્દિક પટેલ ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા અને પૂર્વ જીપીસીસી પ્રમુખ ભરતસિંહ સોલંકી પર નિશાન સાધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ નેતાઓ લોકોની ભાવનાઓનું સન્માન નથી કરી રહ્યા.