દિલ્હી દારૂનીતિ કૌભાંડ: સિસોદિયા બાદ સંજયસિંહની જામીન અરજી ફગાવી

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યૂ કોર્ટે તેમને જામીન આપવાથી ઈનકાર કરી દીધો છે. મનીષ સિસોદિયા બાદ હવે સંજય સિંહને પણ જામીન નહીં મળે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહની ધરપકડ અને ED રિમાનંડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. ત્યારે સંજય સિંહે આ મામલાને રાજકારણ સાથે જોડ્યું હતું.

સંજય સિંહે પોતાની સામે કોઈ મની ટ્રેલ ન હોવાનો દાવો કર્યો હતો. પણ EDએ કહ્યું હતું કે મની લોન્ડેરિંગનો સ્પષ્ટ મામલો બને છે. એટલું જ નહીં ED એ સંજય સિંહને કથિત દારુ કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઈન્ડ પણ જણાવ્યો હતો. તપાસ એજન્સીએ કહ્યું હતું કે સંજય સિંહ લાંચ લેતા હતાં. ઈડીએ વધુ એક દલીલ કરતાં કહ્યું હતું કે પોતાના રાજકીય પહોંચનાં કારણે સંજય સિંહ ઈડીનાં ઓફીસરો અને દસ્તાવેજો સુધી સરળતાથી પહોંચી શકશે. જો તેમને જામીન મળી જાય છે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે. 

મની લોન્ડેરિંગ કેસમાં ઈડીએ સંજય સિંહની 4 ઑક્ટોબરનાં ધરપકડ કરી હતી. ઈડીએ દલીલ કરી હતી કે સંજય સિંહ ગુનામાં થયેલા લાભમાં ભાગેદાર છે. ષડયંત્ર રચવામાં અને તેને અંજામ આપનારાઓમાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આ તમામનાં પૂરાવાઓ અમારી પાસે છે. તો સામે પક્ષે સંજય સિંહે કહ્યું કે આ બધા આરોપો મનગણત છે કારણકે ન તો તેની પાસેથી કોઈ રકમ મળી આવી છે અને ન તો ઈડી ધનની લેણદેણીની કોઈ કડીઓ જોડી શકી છે.