ટી ૨૦ વર્લ્ડકપમાં ૮-૯ જૂન આસપાસ ભારત અને પાકિસ્તાનની મેચ યોજાશે

મુંબઇ, ભારત અને પાકિસ્તાનની વચ્ચે જ્યારે પણ મેચ થાય છે ત્યારે આખી દુનિયાની નજર આ મેચ પર હોય છે. આ દુનિયામાં સૌથી વધારે જોવાતી ક્રિકેટ મેચ હોય છે. મેદાન પર લાખો લોકો જ્યારે ટીવી-મોબાઈલમાં કરોડો લોકો આ મેચને જોતા હોય છે. એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટક્કર થવા જઈ રહી છે. આ ટક્કર ટી૨૦ વર્લ્ડ કપમાં થશે જેનું આયોજન જૂનમાં થયું છે. ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪નું આયોજન અમેરિકા અને વેસ્ટઈંડીઝે મળીને કર્યું છે. ૬ મહિના બાદ આવનારા આ ટૂર્નામેંટનો માહોલ અત્યારથી બની ગયો છે.

રિપોર્ટસ્ અનુસાર ભારત અને પાકિસ્તાનની ટક્કર અમેરિકાની આર્થિક રાજધાની ન્યૂયોર્કમાં થશે. આ મેચ ૮ અથવા ૯ જૂનનાં થશે. તારીક હજુ સુધી નક્કી નથી પણ ભારત-પાકની મેચ શનિ-રવિમાં થાય તેવું શક્ય છે. મોટી માહિતી તો એ છે કે ભારત અને પાકિસ્તાનની આ મેચ ડે-નાઈટ નહીં પણ સવારે શરૂ થશે. અમેરિકામાં આ મેચ સવારે ગોઠવવા પાછળનો હેતુ માત્ર એટલો જ છે કે ભારત-પાકની આ મેચને દર્શકો યોગ્ય સમયે જોઈ શકે. જ્યારે અમેરિકામાં સવાર હોય છે ત્યારે ભારતમાં રાત હોય છે. તેથી ફેનબેઝ આ મેચનો લહાવો ઊઠાવી શકે એ માટે આવી યોજના બનાવવામાં આવી છે. ટી૨૦ વર્લ્ડકપ ઈતિહાસમાં આવું પહેલીવાર બનશે જ્યારે ભારત-પાકની મેચ દિવસમાં શરૂ થશે. હંમેશા આ બંને ટીમોની મેચ ડે-નાઈટ થઈ છે.

રિપોર્ટસ્ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ ટીમની તમામ મેચો અમેરિકામાં જ રમવામાં આવશએ. અમેરિકામાં ભારતીય મૂળનાં લાખો લોકો રહે છે અને ત્યાં પણ ટીમ ઈન્ડિયાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. આ જ કારણે આવો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ લોસ એંજલિસમાં ૨૦૨૮માં ઓલંપિક થવાની છે જેમાં ક્રિકેટને પણ સામેલ કરવામાં આવ્યું છે. તેથી ટી૨૦ વર્લ્ડકપને તેની સાથે જોડવામાં આવી રહ્યું છે.