વલ્લભીપુરમાં પીએમ આવાસ યોજનામાં લોભિયા અધિકારીઓએ ગરીબોના હક છીનવ્યા!

ભાવનગરમાં વલ્લભીપુર (Vallabhipur) નગરપાલિકા હદ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ ગેરરીતિ થતી હોવાની ફરિયાદ ઉઠતા ખળભળાટ મચી ગયો છે. વલ્લભીપુર પાલિકા શહેર વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવતા આવાસોમાં ગેરરીતિ અટકાવવા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ધરમશિભાઇ નાંડોળિયા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

એક વર્ષ પૂર્વે નગરપાલિકાના ભાજપમાંથી ચૂંટાયા ઉપપ્રમુખ હાર્દિકસિંહ ચૌહાણ (Hardik Singh Chauhan) દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતને લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. વલ્લભીપુર શહેરમાં ઘણા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનવાની કામગીરી ચાલુ છે, જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જેમાં એજન્સી દ્વારા રાખેલ માણસો દ્વારા ગરીબ લાભાર્થીઓ પાસેથી રૂપિયા પડાવતા હોવાની રાહ ઉઠવા પામી છે. તેમાં જવાબદાર અધિકારીઓની મિલીભગત પણ જોવા મળી રહી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓ પાસેથી રકમ ઉઘરાવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે ફરિયાદ કરવા છતાંય યોગ્ય તપાસ કરવામાં આવતી નથી તેવા આક્ષેપો તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ધરમશિભાઈ નડોલિયા (Dharamshibhai Nadoliya) દ્વારા કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતને લેખિત ફરિયાદ કરવા છતાં જાડી ચામડીના નગરપાલિકાના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી. એક એક અરજદારો પાસે ખુલ્લેઆમ રૂ. 50 હજારની માંગણી નગરપાલિકાના વચેટિયા દ્વારા કરવામાં આવે છે. કરોડોના બંગલા માલિકોના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન બની જાઇ છે. પરંતુ, જરૂરિયાતમંદોને સરકારની સહાયની રકમ તો દૂર પણ કોઈ સરકારી યોજનાનો લાભ પણ મળતો નથી.

શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જો ઉચ્ચ અધિકારી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે અને આ ભ્રષ્ટાચારમાં અધિકારીઓ તેમ જ નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના પગ નીચે રેલો આવી શકે તેમ છે. તેવી માંગણી વલ્લભીપુર શહેરના લોકો કરી રહ્યાં છે.