ગાંધીનગર, હવે રાજ્યના પોલીસ સ્ટેશનમાં અધિકારીઓની બદલીઓ થતી રહેશે પરંતુ મોબાઈલ નંબર નહીં બદલાય. પોલીસ સ્ટેશનના અધિકારીઓના મોબાઈલ નંબર કાયમ માટે એક જ રહેશે અને જેના થકી હવે પોલીસ સ્ટેશનના પીઆઇ,પીએસઆઇ અને પીએસઓનો કાયમી એક જ નંબર વડે સંપર્ક કરી શકશે. જેની શરુઆત કરાવતા લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેર સિંહે હિંમતનગરમાં આ અંગેની જાણકારી આપી હતી.
રાજ્યના તમામ પોલીસ મથકોના કે એલસીબી એસઓજી જેવી મહત્વની શાખાઓના મુખ્ય અધિકારીઓ અને સ્ટેશન ઓફિસરોના સંપર્ક માટે સમસ્યા નહીં રહે. પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ ના મોબાઈલ નંબર હવે વારે વારે શોધવા નહીં પડે. હવે રાજ્યના તમામ પોલીસ મથકોના અધિકારીઓને કાયમી મોબાઈલ નંબર આપવાનું શરુ કરવામાં આવ્યું છે. જે સ્માર્ટ ફોનમાં વ્હોટસેપ એપની સુવિધા હશે. જેની પર લોકો પોતાની રજૂઆતો વીડિયો અને ફોટા સાથે મોકલી શકશે.
લો એન્ડ ઓર્ડરના ડીજી શમશેર સિંઘ હિંમતનગરની મુલાકાતે ગુરુવારે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સાબરકાંઠા જિલ્લાના તમામ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પીએસઓના સરકારી કાયમી મોબાઈલ નંબર શેર કર્યા હતા. આમ હવે પ્રથા સમગ્ર ગુજરાતમાં લાગુ કરી હોવાનું ડીજી શમશેર સિંઘે મીડિયાને જણાવ્યું હતું. તેઓએ કહ્યુ કે, હવે આમ કરવાથી લોકોની મોટી અગવડતા દૂર થશે અને અધિકારીઓ બદલાતા રહેવાની સ્થિતિમાં મોબાઈલ નંબર એ જ રહેશે. હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની તેમના દ્વારા સ્વચ્છતાને લઈ મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન સાબરકાંઠા એસપી વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.