યોગી રાજમાં ચૌકાવનારી ત્રિપલ તલાકની ઘટના સામે આવે છે. યુપીના ગોંડા જિલ્લામાં પત્નીએ તેના ભાઈને કિડની આફતા નારાજ પતિએ ત્રણ તલાક આપ્યા છે.
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક મહિલાને તેના પતિ દ્વારા વોટ્સએપ દ્વારા ત્રિપલ તલાક આપવામાં આવ્યા છે. તેણીએ તેના ભાઈનો જીવ બચાવવા માટે કિડની આપતા નારાજ પતિએ આમ કર્યુ.
આ ઘટના ધાનેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બૌરીયાહી ગામની છે. પીડિતા તરન્નુમનો પતિ મોહમ્મદ રશીદ સાઉદી અરેબિયામાં નોકરી કરે છે. મોહમ્મદ રાશિદ કિડની દાનથી નારાજ હતો. તેણે તરન્નુમ પાસેથી 40 લાખ રૂપિયાની માંગણી કરી અને જ્યારે મહિલાએ પૈસા આપવાની ના પાડી તો તેણે 30 ઓગસ્ટે ફોન પર ત્રિપલ તલાક આપી દીધા.
તરન્નુમ અને રાશિદના લગ્ન 20 વર્ષ પહેલા થયા હતા અને રાશિદ બાદમાં રોજગાર માટે સાઉદી અરેબિયા ગયો હતો. આ દંપતીને કોઈ સંતાન નથી. તરન્નુમ કહે છે કે રાશિદે બીજા લગ્ન કર્યા છે.
અહેવાલો અનુસાર, તરન્નુમનો ભાઈ મોહમ્મદ શાકિર કિડની ફેલ્યોરથી પીડિત હતો અને મુંબઈમાં તેની સારવાર ચાલી રહી હતી. પોતાના ભાઈનો જીવ બચાવવા માટે તરન્નુમે લગભગ પાંચ મહિના પહેલા તેની એક કિડની દાન કરવા માટે સર્જરી કરાવી હતી.
ડિસ્ચાર્જ થયા બાદ જ્યારે તરન્નુમ ગોંડામાં તેના સાસરે પાછી આવી ત્યારે તેના પતિ સાથે વિવાદ વધ્યો. તરન્નુમની ભૂલ માત્ર એ હતી કે તેણે પોતાની કિડની દાન કરવા માટે પતિ પાસેથી પરવાનગી નહોતી લીધી. જ્યારે રાશિદને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગયો.
આ પછી તેણે તેને વોટ્સએપ દ્વારા ત્રિપલ તલાક આપ્યા. આ ઘટના બાદ તરન્નુમ તેના માતા-પિતા સાથે રહેવા મજબૂર થઈ છે. તેણીએ પતિ વિરૂદ્ધ પોલીસ કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પુષ્ટિ કરી કે કેસ નોંધવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.