કોરોનાના ૨૪ કલાકમાં ૬ના મોત, બે સપ્તાહમાં મૃત્યુઆંક ૨૨ પહોંચ્યો

નવીદિલ્હી, કોરોના હવે વધુ ઘાતક બની રહ્યો છે, છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણને કારણે ૬ લોકોના મોત થયા છે. તેમાંથી ૩ કેસ એકલા કેરળમાંથી નોંધાયા છે. આ સિવાય કર્ણાટકમાં અને પંજાબમાં એક સંક્રમણને કારણે મૃત્યુના બે કેસ નોંધાયા છે. જો છેલ્લા બે અઠવાડિયા પર નજર કરીએ તો, કોરોનાના કારણે મૃત્યુઆંક ૨૨ પર પહોંચી ગયો છે.

કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તમામ સક્રિય થઈ ગઈ છે. કોરોના જેએન.૧ ના નવા વેરિયન્ટનું ટ્રેકિંગ પણ સઘન બનાવવામાં આવી રહ્યું છે.ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જો કે કેરળ સૌથી વધુ જોખમી ક્ષેત્રમાં છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫૮ નવા કેસ નોંધાયા છે. તેમાંથી કોરોનાના ૩૦૦ કેસ એકલા કેરળના છે.

ખાસ વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૬ લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. હાલમાં દેશમાં ૨૬૬૯ એક્ટિવ કેસ છે. કેરળમાં જ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૨૩૪૧ થઈ ગઈ છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા અનુસાર કેરળમાં કોરોનાના કેસમાં વધારો ચિંતાનો વિષય નથી. રાજ્યમાં સંક્રમણના કેસો સામે લડવા માટે સરકાર સંપૂર્ણ રીતે તૈયાર છે.

દિલ્હી અને એનસીઆરમાં પણ કોરોના દસ્તક આપી રહ્યો છે. બુધવારે દિલ્હીમાં ત્રણ અને ગાઝિયાબાદમાં એક કોરોના કેસ જોવા મળ્યો હતો. આ તમામ વચ્ચે ખાસ વાત એ છે કે ગાઝિયાબાદમાં સાત મહિના બાદ કોરોનાએ દસ્તક દીધી છે. આ સિવાય નોઈડામાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. કોરોનાનું સબ-વેરિયન્ટ જેએન.૧ દિલ્હી પહોંચવાની પણ સંભાવના છે. અત્યાર સુધીમાં ત્રણ રાજ્યોમાં તેની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધી મળી આવેલા સંક્રમિત લોકોના સેમ્પલ પણ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

કોવિડ જેએન.૧ નું નવું સ્વરૂપ શરદી, ઉધરસ, શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો અને તાવનું કારણ બને છે. એક હોસ્પિટલના ડો. અજય શુક્લાના જણાવ્યા અનુસાર, નોંધાયેલા તમામ કોવિડ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે. જેથી નવા વેરિયન્ટ શોધી શકાય. નોઇડાના સીએમઓ ડૉ. સુનિલ કુમાર શર્માનું કહેવું છે કે અહીં પણ એક કોવિડ કેસ મળ્યો છે, સંક્રમિત વ્યક્તિની ઉંમર ૫૮ વર્ષ છે, તેની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહી છે.

વરિષ્ઠ ચિકિત્સક ડો. મોહસીન વલીએ જણાવ્યું હતું કે કોવિડના કેસોમાં વધારો થવા પાછળ શરદી પણ એક મુખ્ય કારણ છે. એટલા માટે સાવચેતી સૌથી મહત્વપૂર્ણ છે. જે લોકો પણ ઘરની બહાર નીકળી રહ્યા છે. તેઓએ સાવચેતી રાખવી જોઈએ. ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો. જો તમે ઘરની બહાર જાવ છો તો માસ્ક અવશ્ય પહેરો.