બેંગ્લુરુ : કોંગ્રેસના ક્રાઉડફંડિંગ કેમ્પેઈન વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને રાજ્ય મંત્રી ઝમીર અહેમદ ખાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે પાર્ટી દાન માગે છે, ત્યારે આ બંને નેતાઓ પ્રાઇવેટ જેટમાં ફરી રહ્યા છે. બીજેપી નેતા અમિત માલવિયાએ કર્ણાટક કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે તેઓ કેન્દ્ર પાસેથી દુષ્કાળ ભંડોળ મુક્ત કરવા માટે દિલ્હી જઈ રહ્યા હતા, ત્યારે બંનેએ પ્રાઇવેટ જેટમાં આરામદાયક મુસાફરી કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રાજ્યના મુખ્યમંત્રી સાથે કર્ણાટકના મંત્રી ઝમીર અહેમદનો વીડિયો પોસ્ટ કરતા માલવિયાએ લખ્યું કે, એક તરફ કોંગ્રેસ ક્રાઉફંડિંગનું નાટક કરી રહી છે. બીજી તરફ, કર્ણાટક સરકારમાં હાઉસિંગ, વકફ અને લઘુમતી બાબતોના કેબિનેટ મંત્રી ઝમીર અહેમદ ખાન પ્રાઇવેટ જેટમાં સીએમ સિદ્ધારમૈયા સાથે તેમની તસવીરો શેર કરી રહ્યા છે.
માલવિયાએ કહ્યું, કર્ણાટક કુશાસન સાથે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસની લૂંટ ચાલુ છે. આ વીડિયો કર્ણાટકના મંત્રી ઝમીર અહેમદ ખાને પોતે પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં મંત્રી અને મુખ્યમંત્રી સાથેનું લક્ઝરી પ્રાઈવેટ જેટ દેખાડવામાં આવ્યું હતું અને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, અમારા ગૌરવશાળી નેતા, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે દિલ્હીથી બેંગલુરુની મુસાફરીની સુખદ ક્ષણો.