નડિયાદમાં સહિયારી મિલ્કત બાબતે ભત્રીજાને મારી નાંખવાની ધમકી

નડિયાદ, નડિયાદના મરીડા ભાગોળ બારોટ વાસમાં સહીયારી મિલ્કતમાં બે શખ્સોએ એક વકીલને પોતાના કાકાને મંજુરી વગર બાંધકામ કરતા અટકાવવા નડિયાદ સિવિલ કોર્ટમાં રજુ કરેલ દાવો પાછો ખેંચી લેવા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી.

નડિયાદની પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા અને નડિયાદ કોર્ટમાં વકીલાત કરતા ભુપેન્દ્રભાઈ બાબુભાઈ બારોટના દાદાની મિલ્કત તેમના પિતા તથા કાકા તુલસીભાઈ નરસિંહભાઈ બારોટ તથા અશોકભાઈ નરસિંહભાઈ બારોટના સંયુકત નામે છે. આ મિલ્કત મરીડા ભાગોળ બારોટ વાસમાં સિટી સર્વે નં.-867 જેનો ધર નં.-1166 આવેલો છે. જે જર્જરિત હાલતમાં હોય સરકારી સહાય મળતી હોય જેનો લાભ લેવા જર્જરિત મકાનમાં ભુપેન્દ્રભાઈને રહેવાનુ અને પહેલા માળે કાકા તુલસીભાઈને અને બીજા માળે અશોકભાઈને રહેવા મિલ્કતની વહેંચણી કરી હતી. દરમિયાન તા.8મી ડિસેમ્બરના રોજ સહીયારી મિલ્કતની વહેંચણી બાબતે કાકા અશોકભાઈ અને તેના દિકરા જતીને ભુપેન્દ્રભાઈને ફોન કરીને બાંધકામ નથી કરવાનુ તેમ કહી અપશબ્દો બોલી તાકાત હોય તો તુ આવ, તારા માટે ખંજર લઈને બેઠો છુ, તારુ ખુન કરી નાંખીશ, તને જમીનનો ટુકડો પણ નહિ મળે તેવી ધમકીઓ આપી હતી. બાદમાં તેઓ બારોટ વાસમમાં પહોંચ્યા ત્યારે કાકા અને તેમના દિકરાએ ભુપેન્દ્રભાઈને જોતા જ અપશબ્દો બોલવા લાગી મારવા ફરી વળ્યા હતા. આ અંગે નડિયાદ શહેર પોલીસ મથકે પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી.