ડાકોર, યાત્રાધામ ડાકોરમાં નવા બ્રિજની કામગીરી ચાલી રહેલ છે. જેમાં હવે ભ્રષ્ટાચારના પુરાવા સામે આવી રહ્યા છે. તાજેતરમાં બ્રિજ પર પાણીના નિકાલ માટે કાણુ પાડવામાં આવતા ક્રોકિંટનો ટુકડો જમીન પર આવી પડ્યો હતો. રહિશોએ આ ટુકડો લઈને હાથથી મસળતા ભુકકો થઈને રેતી સિમેન્ટ છુટો પડી ગયો હતો. રહિશોએ આક્ષેપ કર્યો છે કે,બ્રિજના કામમાં ઝીણી રેતી, નાની કપચી સહિત ગુણવત્તા વિનાનો માલ વપરાયો છે જેની તપાસ થવી જોઈએ.
યાત્રાધામ ડાકોરમાં 18 મહિનામાં બ્રિજની કામગીરી પુર્ણ કરવાની શરતે કામ શરૂ થયુ હતુ. પરંતુ આજે 28 મહિના પુરા થયા બાદ પણ બ્રિજની કામગીરી ગોકળગતિએ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ઘણી વિસંગતતાઓ સામે આવી છે. પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ જાણ આંખે પાટા બાંધીને બેઠા હોય તેમ લાગી રહ્યુ છે. દરમિયાન તાજેતરમાં બ્રિજ પર પાણીના નિકાલ માટે પાડવામાં આવેલ હોલ દરમિયાન બ્રિજનો એક ટુકડો નીચે પડ્યો હતો. સ્થાનિકોએ કામગીરીની ચકાસણી કરવા ટુકડો ઉપાડ્યો હતો. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જ તેમાં હલકી ગુણવત્તાયુકત ચીજવસ્તુઓનો વપરાશ થયો હોવાનુ જોવા મળ્યુ હતુ. જે જોયા બાદ સ્થાનિકોએ જણાવ્યુ હતુ કે,આખુ સેમ્પલ હાથથી તોડી શકાય તેમ છે. આ સ્લેબ બને પાંચ મહિના ઉપર થઈ ગયા છતાં જો આ ગુણવત્તા હોય તો બ્રિજ બન્યા બાદ 80 થી 100 ટનના વાહનો અહિંથી નીકળે ત્યારે ગણતરીના દિવસોમાં બ્રિજની સ્થિતિ બદ્તર બની જશે.