પૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેમાં તેમણે અગ્નિપથ યોજનાને લઈને મોટો દાવો કર્યો છે. આમાં તેમણે લખ્યું છે કે સરકારની અગ્નિપથ યોજનાની જાહેરાતથી ત્રણેય સેવાઓ (આર્મી, નેવી અને એરફોર્સ) આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
આ દાવાને લઈને કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે મંગળવારે (19 ડિસેમ્બર) નરવણેના દાવા પછી કહ્યું – અગ્નિપથ યોજના કોઈની સલાહ લીધા વિના લાવવામાં આવી હતી.
જનરલ મનોજ મુકુંદ નરવણે 31 ડિસેમ્બર 2019થી 30 એપ્રિલ 2022 સુધી આર્મી ચીફ તરીકે સેવા આપી હતી. તેમણે પોતાના પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઑફ ડેસ્ટિની’માં લખ્યું છે કે તેમણે 2020માં પીએમ મોદીને ‘ટૂર ઑફ ડ્યુટી’ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં અગ્નિવીરની જેમ થોડા સમય માટે સૈનિકોની ભરતી કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે માત્ર ભારતીય સેના માટે જ માન્ય હતું.
નરવણેએ લખ્યું- થોડા સમય પછી વડાપ્રધાન કાર્યાલય (PMO) અગ્નિપથ યોજના લઈને આવ્યું. આમાં આર્મીની સાથે એરફોર્સ અને નેવીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યોજનાએ આર્મી કરતાં એરફોર્સ અને નેવીને વધુ ચોંકાવી દીધા.
નરવણેએ પુસ્તકમાં લખ્યું છે કે અગ્નિપથ યોજનાની ચર્ચા પછીથી ઘણી વખત થઈ હતી. જેમાં સેનાએ 75% સૈનિકોને સેવામાં જાળવી રાખવા અને 25% જવાનોને સેનામાંથી મુક્ત કરવાની વાત કરી હતી. પરંતુ જ્યારે આર્મીની અગ્નિપથ યોજના જૂન 2022માં શરૂ કરવામાં આવી હતી, ત્યારે તેમના કાર્યકાળ પછી 15 વર્ષ સુધી માત્ર 25% અગ્નિવીરને સેવામાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નરવણેએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે અગ્નિવીરનો પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ સેનાએ તેમના પગારમાં વધારો કરવાની ભલામણ કરી હતી. સેનાનું માનવું હતું કે અગ્નિવીર દેશ માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. સેનાની ભલામણોને પગલે પગાર વધારીને 30,000 રૂપિયા કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું નરવણેએ તેમના પુસ્તકમાં આ વાતની પુષ્ટિ કરી છે. સંસદના 141 સસ્પેન્ડેડ સાંસદોના સમાચાર વચ્ચે આ સમાચાર પણ એટલા જ મહત્વપૂર્ણ છે.