
અમદાવાદ, ગુજરાતમાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે. જીએસટી વિભાગે અમદાવાદ, સુરત સહિત અલગ અલગ શહેરોમાં ૬૭ પેઢીઓમાં તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધીમાં કુલ ૩૭ નકલી પેઢીઓ મળી આવી છે. આ નકલી પેઢીઓમાંથી કરોડો રુપિયાની કરચોરી પકડાઇ છે.
ગુજરાતમાં જીએસટી વિભાગની રેડમાં અનેક નકલી પેઢીઓ મળી આવી છે. અમદાવાદમાં ૧૩, વડોદરામાં ૮, સુરતમાં ૭ નકલી પેઢીઓ મળી આવી છે.રાજકોટમાં ૫, મોરબીમાં ૨, જુનાગઢ અને ગાંધીધામમાં એક-એક બોગસ પેઢી મળી આવી છે. આ તમામ ૩૭ નકલી પેઢીમાંથી ૫૩ કરોડની વેરાશાખ પાસઓન કરી કરચોરી કરી હોવાનુ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ આરોપીઓએ માલિકાના ડોક્યુમેન્ટ મોર્ફ કરી જીએસટી નંબર મેળવી આ નકલી પેઢી બનાવી હતી. ત્યારે જીએસટી વિભાગની તપાસ હજુ પણ યથાવત છે. હવે કરચોરીની રકમનો આંક હજુ વધે તેવી શક્યતા છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા મહેસાણાના ઉંઝામાં જીએસટીએ દરોડા પાડ્યા હતા. ૧૧ જેટલી પેઢીઓના કારોબારને તપાસવા સહિત મોટા ટ્રાન્સપોર્ટરોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગે કરેલી કાર્યવાહીમાં ઉંઝા સહિત પેઢીના અન્ય સ્થળો પર તપાસ શરુ કરવામાં આવી હતી. માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન અરવિંદ પટેલની પેઢી પર પણ તપાસ કરવામાં આવી હતી.
અરવિંદ પટેલ ધારાસભ્યના નજીકના વ્યક્તિ મનાય છે. તેમને ત્યાં પણ દરોડા દરમિયાન હિસાબોને તપાસ કરવામાં આવી હતી. સૂત્રો મુજબ દરોડાઓ દરમિયાન કરોડો રુપિયા બેહિસાબી વ્યવહારો થયા હોવાનું સામે આવ્યુ હતુ. માર્કેટયાર્ડને બદલે બારોબાર જ વેપાર કરીને સેસ નહીં ભરતાં વેપારીઓને લઈને પણ આક્ષેપો થઈ રહ્યા હતા.