મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એ મંગળવારે કહ્યું કે મરાઠા આરક્ષણ પર ચર્ચા કરવા ફેબ્રુઆરી ૨૦૨૪માં એક વિશેષ સત્ર બોલાવવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે મરાઠા સમુદાયને અનામત આપતી વખતે અન્ય કોઈ સમુદાય સાથે અન્યાય કરવામાં આવશે નહીં.
મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું, ‘સુપ્રીમ કોર્ટમાં સુધારાત્મક અરજી દ્વારા આશાનું કિરણ જાગ્યું છે. રાજ્ય પછાત વર્ગ આયોગ દ્વારા અમે મરાઠા સમુદાય પછાત હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સમગ્ર તંત્ર તેમને મદદ કરી રહ્યું છે.
મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, ‘રાજ્ય પછાત વર્ગ આયોગ એક મહિનાની અંદર પોતાનો રિપોર્ટ સુપરત કરશે ત્યારબાદ તેની સમીક્ષા કરવામાં આવશે. મરાઠા સમુદાયને અનામત આપવા માટે ફેબ્રુઆરીમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે અને મરાઠા સમુદાયને જરૂરિયાત મુજબ અનામત આપવામાં આવશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું, ‘હું તમને ખાતરી આપું છું કે મરાઠા સમુદાયને અનામત આપતી વખતે અન્ય કોઈ સમુદાય સાથે અન્યાય નહીં થાય.સમુદાયના આરક્ષણને સ્પર્શ્યા વિના કાયદાના માળખામાં મરાઠા સમુદાયને કાયમી અનામત આપવાની જવાબદારી અમારી છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં શિવબા સંગઠનના સંસ્થાપક મનોજ જરાંગે-પાટીલના નેતૃત્વમાં મરાઠા સમુદાયને અનામત આપવાનું આંદોલન ચાલી રહ્યું છે. જરાંગે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અને ફરીથી ઓક્ટોબરમાં દશેરા પછી મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા. તેમણે મરાઠા સમુદાય માટે કુણબી પ્રમાણપત્ર માંગ્યું હતું, જેઓ રાજ્યમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) નો ભાગ છે.૨ નવેમ્બરે તેમના બીજા ઉપવાસને સમાપ્ત કરતી વખતે, જરાંગે સરકારને મરાઠાઓને અનામત આપવા માટે ૨૪ ડિસેમ્બરની સમયમર્યાદા નક્કી કરી હતી.