પાટણ : આપના ભુપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો. ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે, હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આવશે. આજકાલમાં વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. સતત કોંગ્રેસ તૂટી રહી છૅ ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. શું કિરીટ પટેલે પણ રાજીનામું આપવાના સંકેત આપ્યા.
કિરીટ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામાં આપી રહ્યા છૅ તે ચિંતાનો વિષય છૅ. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂર છૅ. હવે જે 16 ધારાસભ્યો બચ્યા છૅ તેમને બોલાવી મિટિંગ કરવાની જરૂર છૅ. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂર છૅ, નહિ તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છૅ.
કિરીટ પટેલે વધુમાં કહ્યું કે, પક્ષમાં જે ધારાસભ્ય ચૂંટાયા છૅ, તે તેમની પ્રતિભાના અને પોતાના પ્રભાવને લઈ ચૂંટાયા છૅ. જ્યારે ભાજપમાંથી પક્ષ, કાર્યકરો, સંગઠન મહેનત કરતું હોય છૅ. કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરતા હોય છૅ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છૅ. પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઇ શકે છૅ.
તેમણે કહ્યું કે, ઘણીવાર સોશ્યલ મીડિયામાં જોયું કે કચરો જતો રહે છૅ. કોંગ્રેસે હવે ગંભીર બનવાની જરૂર છૅ. કચરો હવે 16 જ રહ્યો છૅ, બધા જતા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખતા હોઈએ છીએ. હજુ પણ ત્રણ ચાર ધારાસભ્ય તૂટશે. એટલા તૂટી રહ્યા છૅ જે માટે પક્ષના આગેવાનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કોંગેસ સીરિયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી. આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠન દ્વારા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યું હોત.
ઉલ્લેખનીય છે કે, હવે જે ત્રણ ચાર ધારાસભ્ય તૂટી શકે છૅ તેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણ પ્રવાહી છૅ, કોઈ વ્યક્તિ રજૂઆતો સાંભળવામાં ન આવે તો તે વ્યક્તિ તેની રીતે નિર્ણય લઇ શકે છૅ.
આજે ખંભાતના ચીરાગ પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે. ચીરાગ પટેલ એ કોંગ્રેસના ધારાસભ્ય છે. આણંદમાં ભાજપના જુવાળ વચ્ચે 2 બેઠકો આવી હતી. જેમાં એક બેઠકના ધારાસભ્ય ફરી ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના આંતરિક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 26માંથી બનાસકાંઠા, પાટણ, આણંદ અને જૂનાગઢ એમ ચાર લોકસભા બેઠકો પર ભાજપની સ્થિતિ નબળી છે. ભરૂચ લોકસભા બેઠક માટે તો ભાજપ ચૈતર વસાવાને રોકવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. સૌથી વધારે આક્રોશ ભાજપ સામે આદીવાસી વિસ્તારમાં છે. ગઈકાલે આદિવાસી સમાજની એક બેઠકમાં ભાજપના ધારાસભ્યને અધ વચ્ચેથી ભાષણ ટૂંકાવવું પડ્યું હતું. હાલમાં ભરૂચ લોકસભાની સીટ પર મનસુખ વસાવા સાંસદ છે. આ સાંસદનો ભાજપ સામે જાહેરમાં બળાપો જોઈને ભાજપ આ સીટ પર વસાવાને રીપિટ કરે તેવી કોઈ સંભાવના નથી.
રાજ્યના 26માંથી 20 લોકસભાની સીટો પર ઉમેદવારો બદલાય તેવી સંભાવના વચ્ચે ભાજપ લોકસભાની ચૂંટણીમાં કોઈ કચાશ છોડવા માગતા નથી. ખંભાતના તાળાં બાદ આગામી દિવસોમાં પટોળામાં પણ ભાત પડે તો નવાઈ નહીં. ભાજપ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ અને આપમાંથી લોકસભાની ચૂંટણીમાં નડી શકે એવા તમામ નેતાઓને ભાજપમાં ખેંચી લાવવા માગે છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં 26 માંથી 26 બેઠકો મેળવવાની હેટ્રિક કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત, મહત્વની વાત એ છે કે, આ 26 લોકસભા બેઠક પર વિપક્ષની ડિપોઝિટ ડૂલ કરવા માટે પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પાટણમાં કોંગ્રેસનો મજબૂત હોલ્ટ છે. પાટણ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા સીટ આવે છે. પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર, કાંકરેજ, વડગામ અને ખેરાલુ. આ 7 સીટમાંથી 4 સીટ પર હાલ કોંગ્રેસનો કબજો છે. તો 3 સીટ પર ભાજપનો વિજય થયો છે. જે 3 સીટ પર ભાજપ વિજય બન્યું છે, બહુ પાતળી સરસાઈથી જીત્યું છે. એટલે કે અહી વિધાનસભામાં પણ જીતની ટકાવારી ઓછી હતી. આ તમામ સીટમાં ભાજપના ઉમેદવારોને કોંગ્રેસના ઉમેદવારો કરતાં માત્ર 441 મત જ વધુ મળ્યા છે.