બીજીંગ, ચીનને મોટો ઝટકો આપતા પાડોશી દેશ શ્રીલંકા ભારતના હિતમાં મોટો નિર્ણય લેશે. શ્રીલંકા તેના મેરીટાઇમ ઝોનમાં વિદેશી જાસૂસી જહાજોના સંચાલન પર ૧૨ મહિનાનો પ્રતિબંધ લાદશે.આનો અર્થ એ છે કે ચીનના સંશોધન અને જાસૂસી જહાજો હવે પહેલાની જેમ શ્રીલંકાના બંદરો પર રોકી શકશે નહીં. શ્રીલંકા ચીનના સંશોધન અને જાસૂસી જહાજોને તેના બંદરો પર રોકવા માટે આ નિર્ણય લઈ રહ્યું છે.
શ્રીલંકાના એક વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું હતું કે, ’સરકાર શ્રીલંકાના જળસીમા અથવા તેના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં વિદેશી સંશોધન જહાજો પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવા પર વિચાર કરી રહી છે.’ ભારત શ્રીલંકાના દરિયાકાંઠે ચીનના જહાજોને રોકવા સામે વાંધો ઉઠાવી રહ્યું છે. જેના કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ પણ જોવા મળી રહ્યો છે.
શ્રીલંકાના મંત્રીએ આ જ સંદર્ભમાં આગળ કહ્યું હતું કે, ’આ જહાજોના આગમનથી ગંભીર રાજદ્વારી તણાવ સર્જાય છે. ૨૦૨૪માં ચૂંટણીઓ (શ્રીલંકાના રાષ્ટ્રપતિની ચૂંટણી) પણ યોજાવા જઈ રહી છે. આવા જહાજોનું આગમન પ્રદેશ અને શ્રીલંકા માટે અત્યંત વિક્ષેપકારક હોઈ શકે છે કારણ કે સરકાર દબાણમાં આવી શકે છે. તેથી અમે વિચારી રહ્યા છીએ કે આને એક વર્ષ કે તેથી વધુ સમય માટે પ્રતિબંધિત કરવામાં આવશે.
અહેવાલમાં જણાવાયું છે કે ચીન ૨૦૨૪ની શરૂઆતમાં શ્રીલંકાના બંદરો પર તેના દરિયાઈ વૈજ્ઞાનિક સંશોધન જહાજ જિયાંગ યાંગ હોંગ ૩ને બર્થ કરવા માંગે છે. ભારતે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો જેને ધ્યાનમાં રાખીને શ્રીલંકન પક્ષે આ નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીલંકા ૨૦૨૪ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ભારત અને ચીન બંનેને ખુશ કે નારાજ કરવાનું ટાળી રહ્યું છે.
દેશના વિદેશ મંત્રી અલી સાબરીએ કહ્યું છે કે શ્રીલંકા આગામી ૧૨ મહિના સુધી તેની દરિયાઈ સંશોધન ક્ષમતા વિક્સાવશે જેથી તે ભવિષ્યના વિદેશી સંશોધન મિશનમાં સમાન ભાગીદાર તરીકે ભાગ લઈ શકે. ’અમે ૧૨ મહિના માટે અમારી ક્ષમતા વિક્સાવીશું જેથી કરીને અમે વિદેશી સંશોધન પ્રવૃત્તિઓમાં સમાન રીતે ભાગ લઈ શકીએ.’
આ વર્ષે ઓક્ટોબરમાં શ્રીલંકાએ ચીનના સંશોધન જહાજ શી યાન ૬ને તેના એક બંદર પર રોકાવા અને સંશોધન કરવાની મંજૂરી આપી હતી. ચીન આવા સંશોધન જહાજોનો વ્યાપક ઉપયોગ કરે છે, જેને જાસૂસી જહાજો કહેવામાં આવે છે. આ જહાજો દ્વારા ચીન શ્રીલંકાને અડીને આવેલા દક્ષિણ ભારતમાં વ્યૂહાત્મક સ્થાપનોની જાસૂસી કરે છે અને મન્નારની ખાડીમાં ખનિજોની માહિતી એકઠી કરે છે.