૨૦૨૩માં ગુજરાતને ૩૦ હજાર કરોડથી વધુ મૂલ્યનું રોકાણ ઉત્પાદન ક્ષેત્રમાં મળ્યું

  • ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા અને તમિલનાડુ ત્રીજા સ્થાન પર

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આગામી ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીના અંતિમ તબક્કામાં છે. આ મહત્વપૂર્ણ સમયગાળામાં, ગુજરાત સરકાર માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. કોલિયર્સ ઈન્ડિયાએ ભારતના ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર)ના વિકાસ અંગે એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં તેમણે અનુમાન લગાવ્યું છે કે વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ભારતીય ઉત્પાદન બજાર ૧ ટ્રિલિયન સુધી પહોંચી શકે છે અને આ સિદ્ધિ મેળવવામાં ગુજરાત સૌથી વધુ યોગદાન આપે તેવી શક્યતા છે. કોલિયર્સે તેના અભ્યાસમાં એમ પણ કહ્યું છે કે ગુજરાતે વર્ષ ૨૦૨૩માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ મેળવ્યું છે. ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટીનેશન ફોર મેન્યુફેક્યરિંગ’માં, ગુજરાત પછી મહારાષ્ટ્ર બીજા સ્થાને અને તમિલનાડુ ત્રીજા સ્થાને છે.

ભારતના મેન્યુફેક્ચરિંગ હબ બનવાની યાત્રામાં ગુજરાતના યોગદાન વિશે કોલિયર્સ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને એડવાઇઝરી સવસિઝના વડા , શ્રી સ્વપ્નિલ અનિલે જણાવ્યું હતું કે, “નવી ઔદ્યોગિક નીતિ હેઠળ, ગુજરાત ઉત્પાદન ક્ષેત્ર માટે લગભગ ૩૪.૭% પ્રોત્સાહનો અને લાભ ફાળવે છે, અને અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં સરેરાશ સેટઅપ ખર્ચ સૌથી ઓછો છે. આ કારણે જ ગુજરાતે ૨૦૨૩માં સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો પાસેથી ? ૩૦,૦૦૦ કરોડથી વધુનું રોકાણ મેળવ્યું છે. ગુજરાતમાં આવનારા આ રોકાણથી રાજ્યના ઔદ્યોગિક પદચિહ્નો મજબૂત થશે. “

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગુજરાતમાં શ્રમિક વસ્તીમાં સૌથી નીચો બેરોજગારી દર ૪% છે ,જે નવા ઉદ્યોગોને તેમના વ્યવસાયો સ્થાપવા માટે આકર્ષે છે. આ ઉપરાંત બંદરો, કનેક્ટિવિટી, સ્થિર સરકાર, પોષણક્ષમ દરે જમીનની ઉપલબ્ધતા, ઝડપી નિર્ણયો, શ્રમ ઉપલબ્ધતા, વ્યવસાયો માટે સહાયક વાતાવરણ અને સહાયક વ્યાપારી નીતિઓએ ગુજરાતને આ રેસમાં મોખરે રાખ્યું છે.” વર્તમાનમાં પણ ગુજરાત દેશનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર છે. અભ્યાસમાં જણાવાયું છે કે ગુજરાતની સિદ્ધિ માટે ઘણા કારણો છે, જે નીતિઓ, સંસાધનો અને રોકાણ માટે અનુકૂળ વાતાવરણના વ્યૂહાત્મક સંયોજનને પ્રદર્શિત કરે છે. આ અભ્યાસ મુજબ, નીચે આપેલા કારણો ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યાત્રામાં ગુજરાતનું મહત્તમ યોગદાન સુનિશ્ચિત કરશે.

છેલ્લા બે દાયકામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દેશમાં રોકાણ માટે સૌથી મહત્વપૂર્ણ ઈવેન્ટ તરીકે સ્થાપિત થઇ છે. આ સમિટ દ્વારા રાજ્ય સરકારે વૈશ્વિક સ્તરે ઔદ્યોગિક જરૂરિયાતોને સમજીને તે મુજબ રાજ્યમાં સેવાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે. આ અભ્યાસ અનુસાર ગુજરાત ૫૦ કરોડના કેપિંગ સાથે પ્રોજેક્ટ ખર્ચના ૪૦%ના ખર્ચે સામાન્ય પર્યાવરણીય માળખાકીય સુવિધાઓ પૂરી પાડે છે. વધુમાં લેન્ડ યુઝ કન્વર્ઝન માટે માટે રાહત દરો આપવામાં આવે છે, જેના લીધે જેથી રોકાણકારો અહીં રોકાણ કરવા આકર્ષિત થાય છે. વ્યૂહાત્મક એમઓયુ, મજબૂત ઉત્પાદન ભાગીદારી એક સક્રિય અભિગમના પ્રમાણ તરીકે, આગામી વાઈબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાતે છેલ્લા છ મહિનામાં ઘણા એમઓયુ સાઇન કર્યા છે. તેમાં, ઓક્ટોબર ૨૦૨૩માં થયેલા એમઓયુ પૈકી, ત્રણ એમઓયુનું સામૂહિક મૂલ્ય ૩,૦૦૦ કરોડ છે. આ એમઓયુ ટેક્સટાઈલ, ઔદ્યોગિક પાર્ક, એન્જિનિયરિંગ અને ઓટો ઈન્ડસ્ટ્રીઝ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવ્યા છે, જે પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ગુજરાતની વ્યાજબી શ્રમ સુવિધાઓ અને સહાયક સરકારી નીતિઓ ઔદ્યોગિક વિકાસ માટે ફાયદાકારક છે. અહીં અત્યંત વિશેષ લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી અને બંદરો, રોડવેઝ અને રેલ્વે સહિત મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાજ્યમાં જમીનના દર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા છે. વધુમાં, ગુજરાત અન્ય રાજ્યો કરતાં વધુ આકર્ષક દરે પાણી, વિજળી અને પુન:પ્રાપ્ય ઊર્જા સંસાધનો પ્રદાન કરે છે.