ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં ૪૫ના મોત,૧૭ દિવસ પહેલા જન્મેલી બાળકીએ જીવ ગુમાવ્યો

તેલઅવીવ, દુનિયાભરની નજર ૨ મોટા યુદ્ધો પર છે એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ તો બીજી તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ. ૭ ઓક્ટોબરે ગાઝા સ્થિત આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર ૫ હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા.

હમાસના આતંકવાદીઓ ગાઝા સાથેની ઇઝરાયેલની સરહદ પરની વાડ તોડીને ઇઝરાયલના શહેરોમાં પહોંચી ગયા હતા. ત્યારબાદ ઘણા ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા હતા. જવાબી કાર્યવાહીમાં ઈઝરાયેલ દ્વારા ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલની સેના દ્વારા ગાઝામાં હમાસના અડ્ડાઓને સતત નષ્ટ કરવામાં આવી રહ્યા છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેનાની કાર્યવાહી ચાલુ છે. મંગળવારે ઇઝરાયેલી સેનાએ ગાઝાની ઉત્તરે બે હોસ્પિટલો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અનેક શંકાસ્પદ કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી. તેના પર ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે અમે હમાસના આતંકવાદીઓને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે કામ કરી રહ્યા છીએ.

ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના નગરો પર હવાઈ હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા ૪૫ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ઇઝરાયેલના રક્ષામંત્રી યોવ ગાલાન્ટે ચેતવણી આપી હતી કે ગાઝાની દક્ષિણમાં અભિયાન ચાલુ રહેશે. દક્ષિણના શહેર રફાહની હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે. એક બાળક માત્ર બે અઠવાડિયાનો હતો અને જેનું નામ હજુ સુધી નોંધાયેલું નહોતું. એમ બાળકોની દાદી સુઝાન જોરાબે જણાવ્યું હતું. રડતાં રડતાં તેમણે કહ્યું હતું કે, મને સમજાતું નથી કે આ બાળકોને મારીને શું ફાયદો થશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૨૦ હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકોના મોત થયા છે. ઈઝરાયેલ ગાઝા વિસ્તારમાં અઢી મહિનાથી સતત હુમલા કરી રહ્યું છે. ઘણા પરિવારો અને ઘરો નાશ પામ્યા છે.

ઈઝરાયેલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગાઝામાં હમાસના સ્થાનો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. નાગરિકોના મોત માટે અમે જવાબદાર નથી પરંતુ હમાસના આતંકવાદીઓ જવાબદાર છે. તેઓ રહેણાંક વિસ્તારોમાં મોટી સંખ્યામાં હાજર છે. ડબ્લ્યુએચઓ અનુસાર, લગભગ ૫૦,૦૦૦ પેલેસ્ટિનિયન મહિલાઓ વિનાશ વચ્ચે ગર્ભવતી છે.