એનડીએના સાંસદોએ એક કલાક ઊભા રહીને ધનખડને સપોર્ટ કર્યો; વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા

નવીદિલ્હી, ૧૪૧ સાંસદોના સસ્પેન્શન વિરુદ્ધ સંસદના શિયાળુ સત્રના ૧૩મા દિવસે (બુધવાર) વિપક્ષનું પ્રદર્શન ચાલુ રહ્યું હતું. પહેલા વિપક્ષી સાંસદોએ ગાંધી પ્રતિમાની સામે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પછી સંસદના મકર ગેટની બહાર પ્રદર્શન કર્યું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે જ્યાં સુધી સાંસદોનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય ત્યાં સુધી વિપક્ષનો વિરોધ ચાલુ રહેશે.

તે જ સમયે, રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલના મામલે સત્તાધારી પક્ષ એટલે કે એનડીએના સાંસદોએ અલગ રીતે પ્રદર્શન કર્યું. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ ધનખડના સમર્થનમાં એક કલાક ચાલેલી કાર્યવાહી દરમિયાન એનડીએના સાંસદો પ્રશ્ર્ન-જવાબ સત્ર દરમિયાન ઊભા હતા.

૧૩ ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરી મુદ્દે વિપક્ષના ગૃહમંત્રીના નિવેદનની માગણી કરીને હંગામો કરવા બદલ અત્યાર સુધીમાં વિપક્ષના ૧૪૧ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી ૧૦૭ લોક્સભા અને ૩૪ રાજ્યસભામાંથી છે. આ સાંસદોને સંસદમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંગળવારે મોડી રાત્રે (૧૯ ડિસેમ્બર) લોક્સભા સચિવાલયે એક પરિપત્ર જાહેર કરીને આ સાંસદોને સંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

વિપક્ષે સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા સામે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પણ ભાગ લીધો હતો.મંગળવારે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ સંસદના ગેટ પર બેસીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ કરતા જોવા મળ્યા, રાહુલ ગાંધી તેમનો વીડિયો બનાવતા રહ્યા હતાં.