પાકિસ્તાન હવે આતંકીઓથી પરેશાન, સફાયા માટે અમેરિકાને એરબેઝ સોંપશે

અફઘાનિસ્તાનની સરહદ પર સક્રિય આતંકી સંગઠનોએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી છે. તેઓને કાબૂ કરવા માટે એક તરફ તેઓ કતારમાં આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે વાતચીત કરી રહ્યાં છે. બીજી તરફ બલુચિસ્તાનમાં અમેરિકાને ડ્રોન સંચાલન માટે પોતાનું એરબેઝ સોંપવા માટે સહમત થઇ ગયા છે. તેનો પ્રસ્તાવ પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીર અને ISI પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમે અમેરિકાના પ્રવાસમાં આપ્યો હતો.

બંનેએ અમેરિકાના રક્ષા અધિકારીઓને એ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે ટીટીપી અને ઇસ્લામિક સ્ટેટની ખુરાસાન શાખા (આઇએસકેપી) જેવા આતંકી જૂથ પાકિસ્તાનની સાથે જ વૈશ્વિક સ્તર પર અમેરિકા માટે પણ ખતરો છે. જો કે નિષ્ણાંતોના મતે પાકિસ્તાનનો પ્રસ્તાવ હતાશામાં ઉઠાવાયેલું પગલું લાગી રહ્યું છે. તેના પરિણામ ઘાતક હશે. અમેરિકાને બેઝ સોંપવાનો પ્રસ્તાવનું મોટું કારણ તાલિબાન શાસકોનું વલણ છે. અત્યાર સુધી પાકિસ્તાન કાબુલ પર ટીટીપી અને બલોચ આતંકીઓ પર લગામ લગાવવા માટે દબાણ કરી રહ્યું છે.

તેઓએ અફઘાન તાલિબાનને ડોઝિયર પણ સોંપ્યું છે. જો કે, તાલિબાન અફઘાનિસ્તાનમાં ટીટીપી અને બલુચ આતંકીઓની ઉપસ્થિતિનો ઇનકાર કરવાના વલણ પર અડગ છે. તાલિબાનના વલણથી નિરાશ ઇસ્લામાબાદે અમેરિકાને બલુચિસ્તાન સ્થિત શમ્સી એરબેઝથી ડ્રોન ઑપરેટ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. શમ્સી એરબેઝ પ્રાંતીય રાજધાની ક્વેટાથી લગભગ 280 કિલોમીટર અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદથી માત્ર 30 કિલોમીટર દૂર છે.

એક નિષ્ણાંતે નામ ન આપવાની શરતે કહ્યું કે ‘જે લોકો આ સમયે હાંસિયામાં છે અને અમેરિકા જો ડ્રોન હુમલો કરશે તો તેઓ પણ ટીટીપી અને બલોચ આતંકી જૂથમાં સામેલ થવામાં વિલંબ નહીં કરે. આતંકીઓ ફરી એકવાર અમેરિકનો વિરુદ્ધ હાથ મિલાવશે. પરંતુ આ વખતે તેઓનું નિશાન અમેરિકનોને બદલે પાકિસ્તાની સુરક્ષા દળ હશે, કારણ કે અમેરિકા જમીન પર ઉતરીને લડી રહ્યું નથી.

પાકિસ્તાની સૈન્યએ લાંબા સમયથી સત્તા સમર્થક ધાર્મિક-રાજકીય નેતા મૌલાના ફઝલુર રહમાન ‘ડીઝલ’ને કતારમાં ચાલી રહેલા ટીટીપીના નેતૃત્વની સાથે વાતચીતમાં સામેલ થવા લીલી ઝંડી આપી છે. કહેવાય છે કે પાકિસ્તાન ટીટીપીને આતંકીની યાદીમાં હટાવી શકે છે. નિષ્ણાંતોના મતે યાદીમાંથી બહાર આવશે તો તેના નામના સહારે લડનારા અનેક આતંકી જૂથો હુમલા જારી રાખશે.

અમેરિકાને બલુચિસ્તાનમાં એરબેઝ સોંપવાનો પ્રસ્તાવ પાકિસ્તાનની પોતાની જૂની નીતિ પર વાપસીનો સંકેત આપે છે. ચીનની સાથે ગાઢ મિત્રતા છતાં તેની આર્થિક મુશ્કેલી ખતમ થઇ નથી. જેને કારણે ફરીથી અમેરિકા તરફ જવું પડ્યું છે. આ રીતે તેઓ ચીન અને અમેરિકા વચ્ચે સંતુલન કરવામાં વ્યસ્ત છે. અમેરિકાને ચીનના પડકારોને દૂર કરવા માટે આ ક્ષેત્રમાં બેઝ જોઇએ છે. આ પ્રસ્તાવના અમલથી ભારત પર અસરનો સવાલ છે તો આપણા માટે કોઇ મુશ્કેલી નથી. અમેરિકા, ભારતને ભરોસામાં લીધા વગર કોઇ પગલું લેશે નહીં. હા તેઓ તેની મારફતે ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કરશે.