નવી દિલ્હી: પાકિસ્તાની અભિનેત્રી અને યુટ્યુબર આયેશા ઉમર તેના સ્પષ્ટ નિવેદનોને કારણે વિશ્વભરમાં હેડલાઇન્સમાં છે. તે અવારનવાર ઘણાં મુદ્દાઓ પર આવા નિવેદનો આપે છે. જેના કારણે તે વિવાદોમાં ફસાઈ જાય છે. ફરી એકવાર તેનું નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયું છે. આ વખતે તેણે પાકિસ્તાનમાં મહિલાઓની સ્વતંત્રતા અને સુરક્ષાને લઈને સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે.
હાલમાં જ આયેશાએ એક પોડકાસ્ટમાં પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તે કહે છે, ‘દરેક મનુષ્ય માટે સ્વતંત્રતા અને સુરક્ષા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે અહીં નથી. હું અહીં સુરક્ષિત નથી અનુભવતી. હું રસ્તા પર ચાલવા માંગુ છું, કારણ કે દરેક વ્યક્તિ તાજી હવા માટે બહાર જવા માંગે છે, પરંતુ અહીં હું તેમ કરી શકતી નથી. કોવિડ-19 દરમિયાન લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે જ અહીં મહિલાઓ બહાર જઈ શકતી હતી.’
આયેશાએ આગળ કહ્યું, ‘મને કરાચીમાં ઘણું ટેન્શન ફિલ થાય છે. મને લાગે છે કે ઘણી સ્ત્રીઓ અહીં અસુરક્ષિત અનુભવતી હશે. અહીંના પુરૂષોને ખ્યાલ નથી કે, મહિલાઓને કયા ડરનો સામનો કરવો પડે છે અને તેઓ કેવી રીતે મોટી થાય છે. આ દેશમાં તમે દરેક ક્ષણે મુશ્કેલી અનુભવો છો. જ્યારે હું કોલેજમાં હતી ત્યારે કરાચી કરતાં લાહોરમાં થોડી સલામતી અનુભવતી હતી. તે સમયે હું બસમાં કોલેજ જતી હતી, પરંતુ કરાચીમાં મારી સાથે બે વખત લૂંટની ઘટના બની હતી.’
આયેશાએ કહ્યું કે, તે બળાત્કાર, અપહરણ અને લૂંટના ડર વિના બહાર જઈ શકતી નથી. અભિનેત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે, સુરક્ષા અને સ્વતંત્રતા દરેક મનુષ્ય માટે મહત્વપૂર્ણ છે, જે અહીં નથી. તેણે કહ્યું કે, ‘દરેક દેશમાં ક્રાઇમ છે, પરંતુ તેમ છતાં તમે સરળતાથી બહાર જઈ શકો છો, પરંતુ અહીંયા તો પાર્કમાં જઉં ત્યાં સુધીમાં પણ મારે પજવણીનો સામનો કરવો પડે છે.’ આયેશાએ ખુલાસો કર્યો કે, તેનો ભાઈ પાકિસ્તાન છોડીને ડેનમાર્કમાં શિફ્ટ થઈ ગયો છે, જ્યારે તેની માતા જલદી જ દેશ છોડવાની તૈયારી કરી રહી છે.
આટલું મોટું નિવેદન આપ્યા બાદ આયેશાએ પાકિસ્તાન પ્રત્યે પોતાની દેશભક્તિ પણ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, ‘હું આ માટીને ખૂબ પ્રેમ કરું છું અને જો મારે દુનિયામાં ક્યાંય પણ રહેવા માટે કોઈ જગ્યા પસંદ કરવી હોય તો હું પાકિસ્તાન પસંદ કરીશ.’ હવે આયેશાના આ સ્પષ્ટ નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. તેના નિવેદન પર યૂઝર્સને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી રહી છે.
નોંધનીય છે કે, આયેશા ઉમરનું નામ છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે પણ જોડાયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આયેશાના કારણે સાનિયા અને શોએબ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. તે દરમિયાન શોએબ સાથે તેનું એક ફોટોશૂટ વાયરલ થયું હતું.