ચેન્નાઇ, ચક્રવાતી તોફાન મિચોંગ બાદ હવે તમિલનાડુમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં સતત વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્થિતિ એવી છે કે ભારે વરસાદને કારણે ૧૦ લોકોના મોત થયા છે. આ માહિતી તમિલનાડુના મુખ્ય સચિવ શિવ દાસ મીણાએ આપી છે. પાણી ભરાવાને કારણે અનેક લોકો ફસાયા છે. આ દરમિયાન ભારતીય સેનાની રેસ્ક્યુ ટીમ શ્રીવૈકુંટમ પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે તામ્રપર્ણી નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે ઘણી ઇમારતો ડૂબી ગઈ છે.
બદલાતા વાતાવરણની અસર તમિલનાડુ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘણા વિસ્તારોમાં ઘરોની છત પણ દેખાતી નથી. ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી દેખાય છે. વીડિયોમાં તમિલનાડુના પાણીમાં ડૂબેલા વિસ્તારો સ્પષ્ટ જોઈ શકાય છે.ડ્રોનથી લેવામાં આવેલી આ તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે ચક્રવાતી તોફાન મિચોંગ બાદ તમિલનાડુ વધુ એક દુર્ઘટનાનો સામનો કરી રહ્યું છે. ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો બેઘર થઈ રહ્યા છે. વરસાદના કારણે નદીઓ અને નાળાઓ તણાઈ ગયા છે.
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરે તમિલનાડુના વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એએલએચ હેલિકોપ્ટરે સવારે મદુરાઈથી ૩૫૦ કિલો સામગ્રીને વરસાદથી પ્રભાવિત થૂથુકુડીના વિસ્તારોમાં પહોંચાડવા માટે ઉડાન ભરી હતી. ૩૫૦ કિલો રાહત સામગ્રીથી ભરેલું બીજું હેલિકોપ્ટર પણ ટૂંક સમયમાં ઉડાન ભરશે.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ચક્રવાત મિચોંગ અને દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે થયેલા નુક્સાનને રાષ્ટ્રીય આપત્તિ તરીકે જાહેર કરવા અને આપત્તિ રાહત ભંડોળ પ્રદાન કરવા વિનંતી કરી હતી. સીએમ સ્ટાલિને કહ્યું કે ૧૦૦ વર્ષના ઈતિહાસમાં ભારે વરસાદને કારણે દક્ષિણના જિલ્લાઓમાં ઘણું નુક્સાન થયું છે. તેથી, તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લાના લોકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે આપત્તિ રાહત ફંડમાંથી રૂ. ૨૦૦૦ કરોડ છોડવાની જરૂર છે.
તમિલનાડુના મુખ્ય સચિવ શિવ દાસ મીણાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં અમે ૧૬૦ રાહત શિબિરોની સ્થાપના કરી છે અને આ રાહત શિબિરોમાં લગભગ ૧૭,૦૦૦ લોકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને લગભગ ૩૪,૦૦૦ ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે અને હજુ પણ અમે કેટલાક ગામો સુધી પહોંચી શક્તા નથી કારણ કે પાણીનું સ્તર હજી નીચે ગયું નથી.