ગોધરા, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે. જેના દ્વારા પંચમહાલ જિલ્લામાં લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા કાર્યરત છે.આગામી સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ના પ્રચાર -પ્રસાર માટે પંચમહાલ જિલ્લાના ખૂણે -ખૂણે કામગીરી કરવામાં આવનાર છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં પંચમહાલ જિલ્લામાં થયેલ વિજ્ઞાન અને ટેકનોલોજી અંગેની પ્રવૃતિઓનો ચિતાર મેળવવામાં આવ્યો હતો.આ બેઠકમાં પંચમહાલ જિલ્લામાં ઉદભવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સુધી વિદ્યાર્થી, શિક્ષકો, મહિલાઓ તથા ખેડૂતોને વિજ્ઞાન વિષયક પ્રવૃતિઓનો લાભ મળે તે માટે ડો.અનામિક શાહ દ્વારા ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ગુજરાત સરકારના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના વડા વિજય પટેલે વિદ્યાર્થી અને શિક્ષકો સુધી વિજ્ઞાનને પહોચાડવા માટે સહયોગ કરવાની ખાતરી આપી હતી. આ સાથે ગુજકોસ્ટ, ગાંધીનગર સલાહકાર ડો.નરોતમ સાહુ દ્વારા પણ મહત્વની સલાહ આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં થઇ રહેલ વિજ્ઞાન અને ટેકનોલોજીની બાબતો અંગે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના મેનેજર અવિનાશ મિસ્ત્રી એ સંપૂર્ણ માહિતી આપી હતી. આગામી સમયમાં જિલ્લાની તમામ શાળાઓ તથા તમામ ગામો સુધી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અનેક વિધ પ્રવૃતિઓ કરાવામાં આવનાર છે.લોક વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ કલેકટર આશિષ કુમાર તથા કાર્યકારી પ્રમુખ ડો.સુજાત વલી ના માર્ગદર્શન હેઠળ તમામ કામગીરી થનાર છે.