
હાલોલ, રાજય પારિતોષિક વિજેતા નિવૃત્ત શિક્ષક દિવાકર શુક્લ દ્વારા તદ્દન નિ:શુલ્ક શિક્ષણ સેવાયજ્ઞ અંતર્ગત 19 ડિસેમ્બરને મંગળવારે હાલોલ તાલુકાના ઢીંકવા ખાતે આવેલી જે.આઈ. ભણશાલી સાર્વજનિક હાઈસ્કૂલમાં ‘મોટીવેશન વીથ મનોરંજન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ગુજરાતમાંથી જ શિક્ષણ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા મેળવેલ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિશિષ્ટ વ્યક્તિઓના પ્રેરક દ્રષ્ટાંત પૂરા પાડી પોતાની રમૂજી વાણી દ્વારા વિદ્યાર્થીઓને સતત સવા કલાક સુધી મોટીવેશન વીથ મનોરંજન પૂરૂં પાડ્યું હતું. જેમાં તેમણે ‘ટેક્નોલોજી છે, તો રોજી છે’, ‘ટેલેન્ટ છે તો બેન્ક-બેલેન્સ છે’ તથા ’ફેશન-વ્યસનને ટેન્શન છે વિદ્યાર્થીઓના દુશ્મન’ જેવા અગત્યના ત્રણ સૂત્રો પણ આપ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રવિણભાઈ પટેલીયા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઢીંકવા ગૃપ કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણસિંહ પરમાર, ગામના અગ્રણી યુવાન ચંદ્રકાન્ત પરમાર, શાળાના ક્લાર્ક ધનસિંગભાઈ રાઠવા તથા સેવક ગોવિંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના શિક્ષકો મહેશભાઈ પટેલ, ચાંદનીબેન શાહ, કલાવતીબેન પરમાર, મિત્તલબેન, મનીષાબેન, તથા અંકિતાબેને પોતાનું યોગદાન આપ્યું હતું. ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક કવિ જયદીપસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.