સંજય સિંહ હાજર રહે… દિલ્હી દારૂ કેસમાં ઈડીની ચાર્જશીટ પર કોર્ટની કાર્યવાહી, પ્રોડક્શન વોરંટ જારી

નવીદિલ્હી, દિલ્હી દારૂ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે હાજર થવાનો આદેશ આપ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કેસમાં ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંજય સિંહ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી છે અને આ કેસમાં આરોપી સંજય સિંહને પ્રોડક્શન વોરંટ જારી કર્યું છે. કોર્ટે સંજય સિંહને ૨૧મી ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

વાસ્તવમાં, ઈડીનો મની લોન્ડરિંગ કેસ સીબીઆઇની એફઆઇઆર સાથે સંબંધિત છે.સીબીઆઇ અને ઈડી મુજબ, હવે રદ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી ૨૦૨૧-૨૨માં સુધારો કરતી વખતે અનિયમિતતાઓ આચરવામાં આવી હતી અને લાઇસન્સ ધારકોને અયોગ્ય લાભો આપવામાં આવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે નીતિના ઘડતર અને અમલીકરણમાં સંજય સિંહે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેણે નાણાકીય કારણોસર ચોક્કસ દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વિક્રેતાઓ અને છૂટક વિક્રેતાઓને ફાયદો પહોંચાડ્યો હતો.

તમને જણાવી દઈએ કે સંજય સિંહની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ૪ ઓક્ટોબરે ઈડ્ઢ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેણે ગત સપ્તાહે પોતાની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી હતી. આરોપો એવો છે કે સંજય સિંહે હવે નિષ્ક્રિય થયેલી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, જેના કારણે કેટલાક દારૂ ઉત્પાદકો, જથ્થાબંધ વિક્રેતાઓ અને છૂટક વિક્રેતાઓને નાણાકીય ફાયદો થયો હતો.