સંઘ પ્રમુખ મોહન ભાગવત સહિત અનેક રાજ્યોના નેતાઓ હરિહર આશ્રમ આવશે

દેહરાદૂન, ૨૪મી ડિસેમ્બરે હરિદ્વારના હરિહર આશ્રમમાં યોજાનાર કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક મોહન ભાગવત સહિત અનેક રાજ્યોના નેતાઓ ભાગ લેશે. આ કાર્યક્રમ માટે આશ્રમ અને અખાડા દ્વારા જ નહીં પરંતુ વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદ ગિરી મહારાજના આચાર્ય મહામંડલેશ્ર્વર તરીકે ૨૫ વર્ષ પૂર્ણ થવા પર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં દેશના અનેક સંતો અને રાજકીય હસ્તીઓ ભાગ લેશે. આશ્રમના જણાવ્યા અનુસાર, હરિહર આશ્રમમાં દિવ્ય આધ્યાત્મિક ઉત્સવ ૨૪ ડિસેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી ચાલશે.

સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપરાંત મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર અને ગોવાના સીએમ પ્રમોદ સાવંતને ઉદ્ઘાટન પ્રસંગે જ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સંત સંમેલન ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. કાર્યક્રમમાં હિમાચલ, કેરળ, જમ્મુ-કાશ્મીર ઉપરાંત અન્ય ઘણા રાજ્યોના રાજ્યપાલો પણ હાજર રહી શકે છે.