લુણાવાડા, મહિસાગર જિલ્લામાં 322 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. દુકાનદારો ઓછુ અનાજ આપીને ગેરરિતી કરતા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠવા પામી છે. જેથી મહિસાગર જિલ્લા કલેકટર દ્વારા મામલતદારને અલગ અલગ તાલુકાઓમાં ક્રોસ ચેકિંગમાં મોકલવામાં આવતા જિલ્લામાં ચાર રેશનિંગની દુકાનોમાં ગેરરિતી ઝડપાઈ હતી. સરકાર દ્વારા રેશનકાર્ડના સ્કોર પ્રમાણે કોને કેટલા ધઉં, ચોખા, ખાંડ સહિત અન્ય સામગ્રી માથાદીઠ આપવામાં આવે છે. જેની ઓનલાઈન કુપન કાઢવામાં આવે છે. જેમાં તોલમાપ દર્શાવેલ હોય છે. પરંતુ જિલ્લામાં મોટાભાગના દુકાનદારો કુપનો આપતા નથી. અને અનાજ ઓછુ આપે છે. જેવી અનેક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે દુકાનદાર દ્વારા ગોડાઉનથી ઓછુ અનાજ આવે તેવી વાતો કહી ગ્રાહકોને ગરમાર્ગે દોરવામાં આવે છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની જેમ મહિસાગર જિલ્લા પુરવઠા અધિકારી તાત્કાલિક ધોરણે દુકાનદારો પર યોગ્ય કાર્યવાહી કરી મહિસાગર જિલ્લાના ગ્રાહકોને કુપન અપાવી પુરતા પ્રમાણમાં અનાજ અપાવે તેવી માંગ ઉગ્ર બનવા પામી છે.