
નવીદિલ્હી, ભારતમાં ઈઝરાયેલના નવા રાજદૂત રુવેન અઝર હશે. ઈઝરાયેલ સરકારે ગઈકાલે એક મોટો નિર્ણય લેતા આ નિમણૂકને મંજૂરી આપી હતી. અઝર ભારત ઉપરાંત શ્રીલંકા અને ભૂટાનમાં બિન- નિવાસી રાજદૂત તરીકે પણ સેવા આપશે.
ઈઝરાયેલ દ્વારા રુવેન અઝરને ભારતમાં નવા રાજદૂત તરીકે નિમણૂકને મંજૂરી આપી છે ત્યારે ઈઝરાયેલના વિદેશમંત્રી એલી કોહેને રુવેન અઝરને અભિનંદન આપતા કહ્યું હતું કે તેઓ ઈઝરાયેલ અને તેના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરશે. ઈઝરાયેલ સરકાર દ્વારા આ નિમણૂક મંજૂર કરાયેલા મિશનના ૨૧ નવા પ્રમુખોમાંથી એક છે જે ટૂંક સમયમાં જ કાર્યભાર સંભાળશે. નવા નિમણૂક થયેલા અઝર છેલ્લા ત્રણ દાયકાઓથી વિવિધ હોદ્દા પર કામ કરી ચૂક્યા છે જેમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૮ સુધી તે યુએસની ઈઝરાયેલ એમ્બેસીમાં ડેપ્યુટી એમ્બેસડર હતા. આ ઉપરાંત અઝરે પેલેસ્ટાઈનના મુદ્દે પણ ઘણું કામ કર્યું છે. અઝર હાલમાં રોમાનિયામાં ઇઝરાયેલના રાજદૂત તરીકે સેવા આપી રહ્યા છે. જો કે હજુ સુધી તેઓ નવી દિલ્હીમાં ક્યારે ચાર્જ સંભાળશે તે અંગેની માહિતી મળી નથી.
તેમણે વોશિંગ્ટનમાં ૨૦૦૩થી ૨૦૦૬ સુધી પ્રથમ કાર્યકાળમાં રાજકીય બાબતોના સલાહકાર તરીકે સેવા આપી હતી. અઝરનો જન્મ અર્જેન્ટિનામાં થયો હતો. તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે તેના પરિવાર સાથે ઈઝરાયેલ સ્થાળાંતર થયા હતા. તેમમે ૧૯૮૫થી ૧૯૮૮ સુધી ઈઝરાયેલી રક્ષા દળોની પેરાટૂપર બટાલિયનમાં પણ સેવા આપી હતી અને ૨૦૦૮ સુધી તે રિઝવસ્ટ કોમ્બેટના સાર્જન્ટ હતા.તેમણે હિબ્રુ યુનિવર્સિટિમાંથી ઈન્ટરનેશનલ રિલેશનમાં સ્નાતક અને માસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરી છે.