ખાલિસ્તાની આતંકીઓની હત્યા અંગે યુએસ -કેનેડાના મુદ્દા સરખા નથી: જયશંકર

ખાલિસ્તાની આતંકવાદીઓની હત્યાના કાવતરા વચ્ચે વિદેશમંત્રી એસ જયશંકરે રવિવારે કહ્યું છે કે અમેરિકા અને કેનેડાના મુદ્દા સમાન નથી. અમેરિકાએ આને લગતી કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. બન્નેના આક્ષેપોમાં તફાવત સમજાવતા તેમણે કહ્યું કે ભારત હંમેશા અન્ય દેશો દ્વારા ઉઠાવવામાં આવેલા ચોક્કસ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે તૈયાર છે. અમે તેને જોવા માટે હંમેશા તૈયાર રહીએ છીએ. અમેરિકા જ્યારે કોઈ મુદ્દા ઉઠાવે છે ત્યારે એ જરૂરી નથી કે બે મુદ્દામાં સમાનતા હોય. જ્યારે કેનેડાએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે અમેરિકાએ અમને કેટલીક બાબતો જણાવી હતી. દરેક વ્યક્તિ જાણે છે કે ભારત એક એવો દેશ છે જ્યાં લોકો જવાબદાર છે અને સમજદારીથી કામ લે છે.

ચીન સાથેના સંબંધો પર બોલતા તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ચીન સાથેના અમારા સંબંધો આજની સરખામણીએ સારા બને. પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલીક બાબતો વધુ મુશ્કેલ બની છે. આવું એટલા માટે થયું છે કે તેઓએ સરહદ પરના કરારોનું પાલન ન કરવાનું નક્કી કરી લીધું છે. મુત્સદ્દીગીરી બાબતે પણ બોલતા જયશંકરે કહ્યું કે મુત્સદ્દીગીરી કહે છે કે તમારા પડોશીઓ ગમે તેટલા હઠીલા હોય, તેઓ ગમે તેટલી પડકારજનક પરિસ્થિતિઓનું નિર્માણ કરે, તમે ક્યારેય હાર માનશો નહીં. કાર્યક્રમમાં અનેક પ્રશ્નોના જવાબ આપતા વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ જૂની ક્લબ જેવી છે. મને લાગે છે કે તેના વર્તનથી વિશ્વને નુકસાન થઈ રહ્યું છે. દેખીતી રીતે આ બાબત વિશ્વ માટે નુકસાનકર્તા છે. 

જયશંકરે કહ્યું કે હું વૈશ્વિક ભાવનાઓ પણ વ્યક્ત કરી શકું છું. મારો કહેવાનો અર્થ એ છે કે જો આજે તમે 200 દેશોને પૂછો કે તેઓ સંયુક્ત રાષ્ટ્રના સુધારાને સમર્થન આપે છે કે નહીં, તો હું તમને ખાતરી આપું છું કે મોટી સંખ્યામાં સભ્ય દેશો સુધારાની હિમાયત કરશે.