દાહોદ, જીલ્લાના વિજ્ઞાનક્ષેત્રે પ્રતિભાશાળી બાળ વૈજ્ઞાનિકોની વિશિષ્ટ કૃતિઓની નાવિન્ય પૂર્ણ રજૂઆત માટે તથા પ્રેરક પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે G.C.E.R.T.ગાંધીનગર પ્રેરીત તથા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ અને જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજીત દાહોદ જીલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ધાનપુર તાલુકાના કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ એ જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ બાળકોની પ્રતિભાને બહાર લાવવાનો છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો થવા ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના કાર્યક્રમ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખવાની તક મળે છે. દેશે ગણિત અને વિજ્ઞાન થકી ભારત પ્રગતિના પંથે હરણફાળ ભરી છે. જેના થકી જ વિશ્ર્વના અગ્રીમ હરોળમાં ગણાતા દેશોની પંગતમાં બેસવાલાયક બનાવી દીધા છે. ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિકોને કારણે દેશ મેક ઈન ઈન્ડિયાના સપના સહજતાથી સાકાર કરી શકશે તેમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ સાથે સાથે તમામ સુવિધા સંપન્ન શાળાઓ જેવી કે, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ સ્કૂલ, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી દ્વારા પાયાનું જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તે માટેના સક્રિય પ્રયાસો હાથ ધર્યા છે, એમ ઉમેર્યું હતું.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, કારોબારી સમિતિના ચેરમેન અભેસિંહભાઈ મોહનીયા, જીલ્લા શિક્ષણાધિકારી સુરેશભાઈ મેડા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશભાઈ મુનિયા, તાલુકા પંચાયત પ્રમુખ, પ્રાચાર્ય રાજેશ મુનિયા બાલ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ સોની, જીલ્લા પંચાયતના સભ્ય ઓ તાલુકા પંચાયતના સભ્યઓ, સહિત શાળાના બાળકો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.